આણંદમાં વહેરાખાડીથી ખંભાત તરફની કેનાલમાં ઝાડીઝાંખરાનું સામ્રાજ્ય, સિંચાઇ વિભાગની અવગણના છતાં ખેડુતો પીડિત
આણંદના વહેરાખાડી થી ખંભાત તરફ પસાર થતી કેનાલમાં ઝાડીઝાંખરાનું સામ્રાજય ફેલાય ગયું છે. ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા વર્ષોથી સાફસફાઇ હાથ નહીં ધરાતાં અને પ્લાસ્ટરની કામગીરી અભાવે વારંવાર કેનાલ લીકેજ થતાં ખેડૂતોને મહામુલા પાકને નુકશાન થઇ રહ્યું છે. જેના પગલે ઉનાળુ સિઝનમાં વહેલી તકે કેનાલોમાં મરામત સહિત સાફસફાઇની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લામાં સિંચાઇ વિભાગે હાલમાં કેનાલ પાણી બંધ કરી દેવાયો છે.દરવર્ષે ઉનાળામાં બે માસ સુધી કેનાલમાં પાણી બંધ રાખીને મરામતની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ દરવર્ષે નક્કી કરેલા 300 થી 400 મીટરની સફાઇ કરવામાં આવે છે. તેમાં વેઠ ઉતારવામાં આવે છે. હાલમાં વહેરાખાડી થી ખંભાત તરફ જતી કેનાલમાં ઝાંડીઝાંખરાનું સામ્રાજય છવાયેલુ છે. તેમજ મોટી કેનાલ હોવા છતાં પણ પ્લાસ્ટર સહિત કામ હાથ ધરવામાં આવ્યું નથી. જેના કારણે તિરાડોમાં ઠેર ઠેર પાણી લીકેજ થઇને ખેતરોમાં ઘુસી જાય છે. જેને લઇને પાકને નુકશાન થાય છે. તેથી કેનાલમાંથી ઝાંડી ઝાંખરા દૂર કરીને સાફ સફાઇ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.