ગેરકાયદે દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર આણંદ એસઓજીએ ઝડપી પાડયો
તારાપુર : તારાપુર તાલુકાના જલ્લા ગામમાં પ્રમાણપત્ર વગર ગેરકાયદે દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર આણંદ એસઓજીએ ઝડપી પાડયો હતો. દવાખાનામાંથી દવાઓ સહિત રૂા. ૧૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આણંદ એસઓજી પોલીસ સોમવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તારાપુર તાલુકાના જલ્લા ગામમાં ગેરકાયદે રીતે દવાખાનું ચાલી રહ્યું હોવાનું અને દર્દીઓના આરોગ્ય સાથે બોગસ ડોક્ટર દ્વારા ચેડાં કરવામાં આવી રહ્યાં હોવાની માહિતી મળી હતી. ત્યારે એસઓજીની ટીમે મેડિકલ ઓફિસરને સાથે રાખી રેડ પાડીને ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટર વિપુલકુમાર નગરબાસી બિશ્વાસ, રહે.મલેક વાડા, પુરબાનોપુર,પશ્ચિમ બંગાળને ઝડપી પાડયો હતો. છેલ્લાં ઘણા મહિનાઓથી આરોપી વિપુલકુમાર બિશ્વાસ પોતાના કબજાનું દવાખાનું ગુજરાત મેડીકલ કાઉન્સીલ રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદે ચલાવતો હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.
પોલીસે સ્થળ ઉપરથી દવાખાનામાં વપરાતા સાધનો, દવાઓ સહિત રૂા. ૧૦,૬૬૯નો મુદ્દામાલ જપ્ત કરી શખ્સને તારાપુર પોલીસ મથકે લવાયો હતો. પોલીસે બોગસ ડૉક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.