બાકરોલ છાત્રાલયમાં વિદ્યાર્થીઓનો હંગામો: હલકી ગુણવત્તાનું ભોજન અને નિયમ વિરુદ્ધ એડમિશનનો આરોપ
આણંદના બાકરોલમાં અનુસૂચિત જાતિના સરકારી કન્યા છાત્રાલયમાં વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીનીઓને આપવામાં આવતા હલકી ગુણવત્તાના ભોજન અને નિયમ વિરુદ્ધ એડમિશનને લઈને જાગૃત વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. નિર્માણાધીન જેલની નજીક આવેલા આ છાત્રાલયમાં SEBC/OBC સમાજની વિદ્યાર્થીનીઓને સરકારી પરિપત્રનો ભંગ કરીને એડમિશન અપાયાનો આરોપ છે. વિદ્યાર્થીઓ રજૂઆત માટે છાત્રાલય પહોંચ્યા ત્યારે રેક્ટર હાજર ન હતા. વારંવાર ફોન કર્યા બાદ પણ રેક્ટર ન આવતા વિદ્યાર્થીઓએ છાત્રાલયની બહાર હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
શરૂઆતમાં રેક્ટરે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવાનો ઇનકાર કર્યો હતો. જો કે, વિદ્યાર્થીઓનો રોષ વધતા તેમણે રજૂઆત સાંભળી અને લેખિતમાં ફરિયાદ માંગી હતી.વિદ્યાર્થીઓએ સ્થળ પર જ લેખિત રજૂઆત કરી હતી. તેમણે ચેતવણી આપી છે કે જો તેમની રજૂઆતોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિદ્યાર્થીનીઓએ કહ્યું જમવાનું ટેસ્ટ વગરનું અને હલકી ગુણવત્તાનું આપવામાં આવે છે
વિદ્યાર્થીઓએ છાત્રાલયનું રસોડું તેમજ જમવાનું જોવા જવાની પરમિશન માંગી હતી. પરંતુ રેક્ટર તેમજ છાત્રાલયના સ્ટાફે જમવાનું સારૂ જ હોય છે, તેમ કહી પરમિશન આપી ન હતી. જેથી છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ જાતે જ ડિશમાં જમવાનું લઈને ગેટ પાસે આવી પહોંચી હતી અને જણાવ્યું હતું કે, છાત્રાલયમાં જમવાનું ટેસ્ટ વગરનું અને હલકી ગુણવત્તાનું આપવામાં છે, જો આ અંગે અમે ફરીયાદ કરીએ તો તેઓ અમને “જમવું હોય તો જમો, ના જમવું હોય તો કાંઈ નહીં” તેવો ઉડાઉ જવાબ આપે છે.
આ અંગે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક એચ.આર.પરમાર જણાવે છે કે, બાકરોલ સ્થિત સરકારી કન્યા છાત્રાલયમાં સરકારે નક્કી કરેલ મેનુ પ્રમાણે અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટર દ્વારા જમવાનું પૂરું પાડવામાં આવે છે. પરંતુ છાત્રાલયમાં રહેતી કેટલીક છોકરીઓએ ગઈકાલે જમવાનો બહિષ્કાર કર્યો હતો. આ બહિષ્કાર કરનાર છોકરીઓની માગણી મુજબ નવેસરથી જમવાનું બનાવી આપવામાં આવ્યું હતું. છતાં દીકરીઓ જમી ન હતી. છેલ્લે તેઓની માગણી મુજબ સ્ટાફ દ્વારા બહારથી મંગાવીને જમવાની વ્યવસ્થા કરી, દીકરીઓની સમસ્યાનો સુખદ અંત લાવવામાં આવેલ છે.