આણંદ મનપાનો દરજ્જો મળતાં, સામરખા ચોકડી-એકસપ્રેસ વે માર્ગે વિકાસના નવા પગલાં
આણંદ મનપાનો દરજ્જો મળતાની સાથે તંત્રએ વિકાસના કાર્યો શરૂ કરી દીધા છે.ત્યારે સામરખા ચોકડી થી એકસપ્રેસ વે માર્ગ પર વર્ષો બાદ સ્ટ્રીટ લાઇટો ઝગમગતી જોવા મળશે. માર્ગ પર સીસી રોડ ,વરસાદી પાણી નિકાલ માટે ડ્રેનેજ લાઇન સહિતની રૂ 65 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ સામરખા ચોકડી થી એકસપ્રેસ વે માર્ગ પર સતત 24 કલાક ટ્રાફિક ધમધમતો રહે છે. ત્યારે મનપા દ્વારા વિકાસના કાર્યો હાથ ધરવાના હેતુથી સામરખા ચોકડી થી એકસપ્રેસ વે સુધી ડિવાઇડર પર સ્ટ્રીટ લાઇટો નાંખવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. તેમજ રોડ પર ચોમાસામાં ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઇન નાંખવામાં આવશે. જેના કારણે સામરખા ચોકડી પાસે સામાન્ય વરસાદ પડતાં સાથે પાણી ભરાઇ જતાં હતા. જેના લીધે માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઇ જતો હતો. તેથી ભાલેજ ,અરજપુરા સહિત 65 વધુ ગામોના વાહનચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડતો હતો. જેનો અંત આવી જવા પામશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું