ઇડીની કાર્યવાહી: પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં
પીએમએલએ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૫ મુજબ ઇડીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની રૃા. ૨૧ કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે. આ મિલકતો અંગે કોઇ હુકમ નહીં કરવા રાજકોટની કોર્ટમાં ઇડીએ અરજી કરી છે.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાગઠિયા સામે આઈપીસીની કલમો હેઠળ બે અને ભ્રષ્ટાચાર નિવારણના કાયદા હેઠળ એક મળી કુલ ત્રણ કેસો નોંધાયા હતાં. જેમાંથી એસીબીએ તપાસ દરમિયાન સાગઠિયાની રૃા. ૨૮ કરોડની અપ્રમાણસર મિલકતો શોધી કાઢી હતી. જે તેણે પોતાની પત્ની અને પુત્રના નામે વસાવી હતી.એક સ્થાવર મિલકતમાં તેના પુત્ર કેયુરને અલ્કેશ ચાવડા સાથે સહમાલિકી હતી. આ કેસ અંગે એસીબીએ ઇડીને જાણ કરી હતી.
જેથી ઇડીએ તપાસ હાથ ધરી હતી અને એવા નિષ્કર્ષ પર પહોંચી હતી કે સાગઠિયાએ પોતાના, પત્ની ભાવનાબેન, પુત્ર કેયુર અને અલ્કેશના નામે મિલકતો વસાવી છે. જેમાં સ્થાવર મિલકતો, કિંમતી ઝવેરાતો, ફિક્સ ડિપોઝીટ વગેરનો સમાવેશ થાય છે. ઇડીની તપાસ દરમિયાન આ તમામ મિલકતોની કિંમત રૃા. ૨૧.૬૧ કરોડ જણાઇ હતી. ઇડીએ આ મિલકતો જપ્ત કરી છે. જ્યારે એસીબીએ આ મિલકતો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયન હેઠળ કોર્ટ કસ્ટડીમાં સોંપી હતી. ઇડીએ રાજકોટની કોર્ટમાં અરજી કરી એવી રજૂઆત કરી છે કે પીએમએલએની કલમ ૮ હેઠળ હાલનો કેસ દિલ્હી ખાતે એડજ્યુકેટીગ ઓથોરિટી સમક્ષ ચાલવાપાત્ર છે. જેથી આ મિલકતો અંગે ટ્રાન્સફરનો કોઇ હુકમ નહીં કરવા અરજી કરી છે. જે સંદર્ભે રાજકોટની ખાસ અદાલતે સાગઠિયા અને પ્રોસીક્યુશનને ગઇ તા. ૧૨ના રોજ હાજર રહેવા નોટિસ આપી હતી. જેમાં પ્રોસીક્યુશન તરફથી એસીબીના પીઆઈ લાલીવાલ અને સ્પે. પીપી એસ.કે. વોરા હાજર રહ્યા હતાં. જ્યારે સાગઠિયા વતી કોઇ હાજર નહીં રહેતા આગળની કાર્યવાહી માટે કોર્ટે તરીખ ૨૬ પર અનામત કરી છે.