માત્ર એક મિનિટ જેટલા ટૂંકા સમયમાં કોઈપણ વ્યક્તિ આનંદિત છે કે દુઃખી તે જણાવી દેશે આ મશીન
લો બોલો, એક મિનિટમાં ખબર પડી જશે કે તમે આનંદમાં છો કે દુઃખી…
સમાજમાં હસતા ચહેરા પાછળની વેઠના અને હોઠોના સ્મિત પાછળની ઉદાસી વ્યક્તિએ-વ્યક્તિએ બદલાય છે. પરંતુ પીડા સહુની સમાન છે. સ્ટ્રેસ…આ શબ્દ હવે સામાન્ય બની ગયો છે. બાળકોને અભ્યાસમાં, યુવાનોને રિલેશનશીપમાં, પુરૂષોને આવકમાં અને મહિલાઓને ઘરના સંચાલનમાં વારંવાર સ્ટ્રેસ લાગે છે. આ સ્ટ્રેસ ક્યારેક સંબંધોનો ભોગ લે છે તો ક્યારેક મિલ્કતનો અને ઘણીવાર તો માણસને જ મોતના મુખમાં પ્રવેશી જવા મજબૂર કરી દે છે. આત્મહત્યાના વધતા બનાવો સામાજિક વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે. આવા હ્રદયવિદારક બનાવોને અટકાવવા માટે પહેલો તો તે વધવાનું કારણ જાણવું પડશે.
સ્ટ્રેસ કે ડિપ્રેશનમાં રહેલી વ્યક્તિના હાવભાવ અને બોલચાલમાં તે અચૂક ઝળકે છે. તેવું વિજ્ઞાન માને છે. પણ કમનસીબે મિત્રો, પરિવારજનો કે સાથે રહેનાર ઘણીવાર સમજી શકતા નથી. પરિણામે વ્યક્તિની આત્મહત્યા પછી અફસોસ કરવા સિવાય કંઈ બાકી રહેતું નથી. કોઈપણ વ્યક્તિ ફ્રસ્ટ્રેશન -ડિપ્રેશન – એન્ઝાઈટી કે માનસિક તણાવમાં છે. તે કઈ રીતે ખબર પડે ? છેલ્લા કેટલાક સમયમાં ગૃહિણીઓ અને માસુમ વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા બનાવોએ આ સવાલનો જવાબ મેળવવાની લગની માટે રાજકોટના એક પ્રોફેસર ડૉ. હિરેન મહેતાને લાગી. એક વિચાર આધુનિક ટેક્નોલોજીના સથવારે સાકાર થયો. જમાના પ્રમાણે બદલાયેલી અને ‘નાવાયેલી AI ટેક્નોલોજીના સહારે ડૉ. 3. 1 એક એવું ડિવાઈસ બનાવ્યું કે, જે માત્ર એક મિનિટ જેટલા ટૂંકા સમયમાં કોઈપણ વ્યક્તિ આનંદિત છે કે દુઃખી તે જણાવી દેશે. તેમણે સમાજસેવાના ઉદેશ્ય સાથે કેન્દ્ર સરકારના પેટન્ટ કાર્યાલયમાંથી AI-POWERED EMOTIONAL SUPPORT ASSISTANT નામથી આ ડિવાઈસની પેટન્ટ પણ લીધી છે.
શાળા – કોલેજના વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ તણાવમાં છે કે કેમ તે જાણવા અને તેમને તણાવમુક્ત રહેવા માટે પ્રેરવાનો હેતુ આ ડિવાઈસના નિર્માણનું કારણ છે તેમ જણાવતા ડિવાઈસની ખાસિયતો વિશે ડૉ. હિરેન મહેતા જણાવે છે કે, આ ટયુકડું ડિવાઈસ ગુણવત્તાયુક્ત કેમેરા અને માઈકથી સજ્જ હશે. ટેસ્ટ આપનાર વ્યક્તિએ ડિવાઈસ ઓન કરીને તેનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાય તેમ બોલવાનું રહેશે. 40થી 45 સેકન્ડ સુધી આ રીતે બોલ્યા બાદ ગણતરીની સેકન્ડ્સમાં જ ડિવાઈસમાં રહેલી બે લાઈટ્સમાંથી કોઈ એક એક્ટિવ થશે. જો ગ્રીન રંગનું બટન બ્લિન્ક થાય તોવ્યક્તિ આનંદિત છે અને જો રેડ લાઈટ બ્લિન્ક થાય તો વ્યક્તિ દુઃખી છે તેવું તારણ મળે છે.
કેમેરા સામે આવનાર વ્યક્તિના ચહેરાના હાવભાવ તથા તેના અવાજનું AIની મદદથી એનાલિસીસ કરી ગણતરીની સેકન્ડ્સમાં આ ડિવાઈસ તારણ આપે છે. એક સંશોધન પ્રમાણે પોતાની મનોસ્થિતિને ચહેરા પર કે અવાજમાં ન લાવી કાબૂ કરવામાં 10 ટકા લોકો સફળ રહેતા હોય છે. જેના કારણે ડિવાઈસના તારણમાં ચોકસાઈનો દર 70 ટકા જેટલો છે. હાલ પ્રાયોગિક પૌરણે એક મશીનના નિર્માણનો ખર્ચ રૂ.4500 જેટલો થાય છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ તેનું ઉત્પાદન કરી શાળા, કોલેજીસ અને જેલ જેવી જગ્યાઓ પર ટોકનદરે આપવામાં આવશે. તેમ ડો. હિરેન મહેતાએ જણાવ્યું છે.
ડૉ. હિરેનના આ સંશોધન અને પેટન્ટને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. આશા રાખીએ કે આ ડિવાઈસની મદદથી ગેર વર્તન, ગુનાખોરી અને અકુદરતી મોતની ઘટનાઓને અટકાવી શકાય. જો એવું થશે તો સ્ટીવ જોબ્સનો ‘ગઈકાલે શું થયું તેની ચિંતા કરવાને બદલે આવતી કાલની શોધ કરીએ’ તે વાક્ય ખરા અર્થમાં સાકાર થતું જણાશે.