ખંભાતમાં BJP ગૃપમાંથી કાર્યકરના પરિવાર પર શરમજનક ટિપ્પણી, મામલો સાયબર ક્રાઈમ સુધી પહોંચ્યો
કાર્યકરના પરિવારને ટાર્ગેટ કરતી પોસ્ટથી ખળભળાટ
આણંદ જિલ્લાના ખંભાતના ભાજપના સોશ્યલ મીડિયાના ગૃપમાં ખુદ પાર્ટીના જ એક કાર્યકરના પરિવારને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. ગૃપમાં કાર્યકરના પરિવારના સભ્ય વિશે શરમજનક ટિપ્પણી કરવામાં આવતા મામલો ગરમાયો છે. ઘટનાના પગલે કાર્યકર દ્વારા સાયબર ક્રાઈમ પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. જેમાં ત્રણ જુદા જુદા નંબર ધારકોની વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાક્રમથી જિલ્લા ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ શિસ્તબધ્ધ પાર્ટીના આદર્શોના લીરેલીરા ઉંડયા છે.
આ ઘટનાના પગલે આણંદ જિલ્લા તથા ખંભાત તાલુકા ભાજપમાં અનેક અટકળોએ જોર પકડયું છે, અને જૂથવાદના કારણે જ પાર્ટીના જ એક કાર્યકરના પરિવારજનો બદનામ થાય તેવી ટિપ્પણી કરતા મેસેજ વાયરલ કરવામાં આવતા હોવાનું કાર્યકરોમાં ચર્ચાય છે. દિલીપ જાદવ નામના એડમિન દ્વારા ૧૦૮ ખંભાત વિધાનસભાના નામનું સોશ્યલ મીડિયાનું ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં દિલીપે જુદા જુદા ત્રણ નંબરોને એડમિન તરીકે રાખી તે પોતે આ ગૃપમાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ એડમિન દ્વારા ફક્ત તેઓ પોતે જ મેસેજ વાય ર લ કરી શકે તે રીતે તેને મર્યાદિત કરાયું હતું. આમ છતાં પણ ભાજપના એક કાર્યકરના કુટુંબને ટાર્ગેટ કરી શરમજનક મેસેજ વાયરલ કર્યો હતો. જેના કારણે ગૃપના સભ્યો તથા અન્ય કાર્યકરોમાં પણ આશ્ચર્ય વ્યાપ્યું હતું. મેસેજ વાયરલ કરનારાઓમાં ત્રણ નંબરો હોવાનું જોવા મળ્યું છે. તેથી ભોગ બનનાર કાર્યકર્તા દ્વારા આણંદ સાયબર ક્રાઈમમાં નોંધાવવામાં આવેલા ગુનામાં આ ત્રણ નંબરોનો ઉલ્લેખ કરાયો છે.
જોકે, આ નંબરો કોના છે ? અને કયા કારણોસર તેના ઉપભોક્તાએ આ કાર્યકરના પરિવારને ટાર્ગેટ બનાવી તેમના વિશે શરમજનક ટિપ્પણી કરી ? તે અંગે અત્યારે તો ખંભાત સહિત આણંદ જિલ્લા ભાજપમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે. ટ્રેઝેડી તો એ પણ છે કે ભાજપમાં જ્યાં આ યા દવાસ્થળી વકરી છે, તે ખંભાત વિધાનસભા મતક્ષેત્રના ચિરાગ પટેલ આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પણ છે. તેથી જો પમુખ પો તાના મત વિસ્તારમાં જ કાર્યકરોનો અસંતોષ અને જૂથવાદ ટાળી શકતા ન હોય તો સમગ્ર જિલ્લાના જૂથવાદ સામે કેવી રીતે ઝઝૂમશે ? તે અંગે પણ અનેક તર્કવિત કો ભાજપના કાર્યકરોમાં જ થઈ રહ્યા છે.