તમાકુના ઊંચા ભાવથી બધી રીતે અસરગ્રસ્ત: ખેડા જિલ્લામાં વેપારીઓ દ્વારા ધીમી ખરીદી
ખેડા જિલ્લામાં દેશી તમાકુની કાપણી મહદંશે પૂર્ણ થઈ છે તો બીજી બાજુ આ વર્ષે તમાકુના ભાવો ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને વધુ મળે તેવી શક્યતાઓને લઈને ખેડૂતોના ચહેરા ઉપર આનંદની લાગણી છવાયેલી જોવા મળી રહી છે. મોટાભાગના ખેડૂતોના ખેતરમાંથી તમાકુનો પાક ઘરમાં આવી ગયો છે ત્યારે જિલ્લામાં દેશી તેમજ કલકત્તી તમાકુની ખરીદી પણ વેપારીઓ દ્વારા ધીરે ધીરે શરૃ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ખેડા જિલ્લાના મુખ્ય પાક તરીકે તમાકુની ખેતી કરવામાં આવે છે. જિલ્લાના ખેડૂતો વર્ષોથી તમાકુની ખેતી કરતા આવ્યા છે એના પાછળનું કારણ તમાકુના પાકમાં અન્ય પાક કરતા વળતર વધુ રહેતું હોય જિલ્લામાં વર્ષો વર્ષ મોટા પ્રમાણમાં દેશી તમાકુની રોપણી કરવામાં આવી હતી. જિલ્લાના નડિયાદ, મહુધા, કઠલાલ કપડવંજ ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાના ખેતરમાં દેશી તમાકુની રોપણી વર્ષોથી કરતા આવ્યા છે. જેમાં નડિયાદ અને મહુધા પંથકના અરેરા, નારણપુરાલાટ, વીણા, બગડું, સિઘાલી તેમજ ખુંટજ સહિતના ગામોમાં ખેડૂતો દ્વારા વર્ષોથી બિન પિયત એટલે કે કોરંટ દેશી તમાકુ પકવે છે. બિનપિયત તમાકુની ગુણવત્તા સારી હોય છે જેને લઇ આ ગામોના ખેડૂતોને તમાકુના વર્ષોથી સારા દામ પણ મળે છે.
જિલ્લામાં ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં ખેડ ખાતર કરી વર્ષોની માફક ઓગસ્ટ માસની શરૃઆતમાં દેશી તમાકુની રોપણી શરૃ કરી દીધી હતી જો કે ત્યાર પછી જન્માષ્ટમી ના દિવસોમાં જિલ્લામાં પડેલ અનરાધાર વરસાદને લઈ મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં રોપવામાં આવેલ તમાકુનો પાક નષ્ટ થઈ ગયો હતો. આ દરમિયાન શેઢી નદીમાં આવેલ પૂરના પાણી ફરી વળવાથી મોટાભાગના ખેડૂતોના તમાકુના ધરુંવાડિયા પણ નષ્ટ પામતાં ખેડૂતોની મહામુલી મહેનત માથે પડી હતી. ત્યાર પછી અમુક ખેડૂતો દ્વારા નવેસરથી તમાકુના ઘરૃવાડીયા તૈયાર કરવામાં આવ્યા હતા. મહિના પછી ધરૃવાડીયામાં છોડ રોપવા લાયક તૈયાર થતાં દેશી તમાકુની રોપણી પૂરજોશમાં શરૃ થઈ હતી. જોકે ધરૃવાડીયાની અછત હોવાને લઈને ભાવમાં ધરખમ વધારો થયો હતો.
જેથી અમુક ખેડૂતોએ દેશી તમાકુની રોપણી કરવાના બદલે પોતાના ખેતરમાં દિવેલા સહિતના અન્ય પાકનું વાવેતર કરી દીધું હતું. દરમિયાન જિલ્લામાં ચાલુ વર્ષે દેશી તમાકુની રોપણી મોડી પડી હતી ત્યાર પછી જિલ્લામાં સમયસર ઠંડી પણ શરૃ થઈ ન હતી અને નવેમ્બર માસની શરૃઆત સુધી જિલ્લામાં સતત ગરમીનો દોર ચાલુ રહ્યો હતો. જેને લઇ ખેડૂતોએ ખેતરમાં રોપેલ દેશી તમાકુના છોડનો જોઈએ તેવો વિકાસ થયો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. દરમિયાન જિલ્લામાં ચાલુ વર્ષે દેશી તમાકુની કાપણી મોડી શરૃ થઈ હતી. જિલ્લામાં વર્ષો વર્ષ બિનપિયત એટલે કે કોરટ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં દેશી તમાકુનો પાક ડિસેમ્બર માસના અંતમાં તૈયાર થઈ જાય છ.ે જેને લઇ આ વિસ્તારમાં ડિસેમ્બર માસના અંતથી કાપણી શરૃ થઈ જાય છે.
જોકે ચાલુ વર્ષે આ વિસ્તારમાં પણ જાન્યુઆરી માસના ત્રીજા પખવાડિયામાં કાપણી શરૃ થઈ હતી ત્યાર પછી જિલ્લામાં ઠંડીનું જોર ચાલુ રહ્યું હોય દેશી તમાકુ ની કાપણી મંદગતિએ ચાલતી હતી. દરમિયાન માર્ચ માસની શરૃઆતથી જિલ્લામાં તાપનું જોર વધતા દેશી તમાકુની કાપણી પૂર જોશમાં શરૃ થઈ હતી અને હાલ મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં રોપેલ દેશી તમાકુનો પાક ઘરોમા આવી ગયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષે દેશી તમાકુના ધરુની અછતના કારણે ધરુ મોઘું થતાં અમુક ખેડૂતોએ પોતાના ખેતરમાં દેશી તમાકુ રોકવાના બદલે દિવેલા સહિતના અન્ય પાકનું વાવેતર કર્યું હતું જેને લઇ જિલ્લામાં વર્ષો ના સ્થાને દેશી તમાકુની રોપણી ઓછી થઈ છે સાથે રોપણી મોડી પડવાને લઇ પાકનું ઉત્પાદન પણ ઓછું થયું છે આ વચ્ચે જિલ્લામાં દેશી તમાકુની વેપારીઓ દ્વારા હાલ ધીરે-ધીરે ખરીદી શરૃ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને ગત વર્ષે કરતા ભાવમાં થોડો વધારો મળ્યો છે જો કે જિલ્લામાં વેપારીઓ દ્વારા હજી દેશી તમાકુની ખરીદી પૂરજોસમાં શરૃ કરવામાં આવી નથી.
ચાલુ વર્ષે કાંઠા ગાળાની ગંભીરા મંડળીની દેશી તમાકુ ના ભાવ સારા પડયા છ.ે જેને લઇ જિલ્લાના દેશી તમાકુ પકવતા ખેડૂતોને ચાલુ વર્ષે પોતાના પાકના સારા ભાવ મળશે તેવી આશા ઊભી થઈ છે. આ વચ્ચે જિલ્લામાં બિનપિયત એટલે કે કોરટ વિસ્તારમાં ઊંચી ગુણવત્તાવાળી ઉત્પાદન થતી દેશી તમાકુ ના ભાવ પણ ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને સારા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.