વલાસણ ગામની નહેર પાસે મળ્યો નવજાત ભ્રૂણ, માનવતાને શર્માવે તેવી ઘટના
આણંદ તાલુકાના વલાસણ ગામની મોટી નહેર ગરનાળા પાસે કેળાના ખેતરની વાડ નજીકથી એક નવજાત ભ્રૂણનો મૃતદેહ મળી આવ્યો છે. આ ભ્રૂણ છ થી સાત માસનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
કરમસદ ગામના ખેડૂત વિપુલકુમાર બાબુભાઈ પટેલના ખેતર નજીક લોકોના ટોળા જમા થયા હતા. તપાસ કરતા ખેતરની વાડમાં કપડામાં લપેટાયેલું નવજાત ભ્રૂણ મળી આવ્યું હતું. જેથી વિપુલકુમારે તાત્કાલિક વિદ્યાનગર પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે આ ભ્રૂણને ત્યાં ત્યજી દીધું હતું. વિદ્યાનગર પોલીસે બી.એન.એસ કલમ 94 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ભ્રૂણનો કબજો લઈ લીધો છે અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે.