સામરખા પાસે ઝાડીઓમાંથી મળેલી લાશનું રહસ્ય ઉંડું બન્યું
૧૦મી તારીખના રોજ સાંજના સુમારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા સામરખા ઈન્દિરાનગરી નજીક ભુતરડા રોડ ઉપરના ભાલેજ એક્ઝીટ રોડની બાજુની ઝાડી-ઝાંખરામાંથી હત્યા કરેલી મળી આવેલી લાશનું રહસ્ય વધુ ઘેરાયું છે. પીએમના રીપોર્ટમાં તેણીનું મોત લાશ મળ્યાના ત્રણથી પાંચ દિવસ પહેલા થયાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. જેને લઈને પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૧મી તારીખના રોજ સાંજના સુમારે પોલીસને ૩૫ થી ૪૦ વર્ષની અજાણી મહિલાની લાશ ઉક્ત સ્થળેથી મળી આવતાં જ પોલીસે લાશનો કબ્જો લઈને કરમસદની હોસ્પીટલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવતા તેણીનું મોત માથામાં બોથડ પદાર્થના ફટકા મારવાને કારણે તેમજ ત્રણથી પાંચ દિવસ પહેલા કરાઈ હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે આજે સવારના સુમારે ઘટનાસ્થળે સર્ચ કરતા નજીકમાંથી એક દોરો તુટેલી હાલતમાં મળી આવ્યો હતો.જે પોલીસે જપ્ત કરીને તપાસ હાથ ઘરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મહિલા દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલી હોય અને કોઈ શખ્સો દ્વારા આ બાબતે ઝઘડો થયો હોય અને તેણીને માથામાં બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી નાંખવામાં આવી હોય તેવું પણ બની શકે છે. મહિલા અને હત્યારાઓ વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હોવાનું મહિલાના ચહેરા ઉપર પડેલા ઉઝરડા પરથી ફલિત થાય છે. જેથી હત્યા પહેલા મૃતક મહિલા અને હત્યારા વચ્ચે મારામારી થયાની પણ આશંકા સેવાઈ રહી છે. કેસની તપાસ ચલાવી રહેલા પીઆઈ એસ. જી. સોલંકીના જણાવ્યા અનુસાર પહેરવેશ પરથી આ મહિલા સારા ઘરની હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. પરંતુ ચહેરો ફોગાઈ ગયેલો કોઈ સ્પષ્ટ તારણ ઉપર આવી શકાતુ નથી. મહિલાની હત્યા જ્યાંથી લાશ મળી ત્યાં જ કરાઈ હોવાનું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા મહિલા કોણ અને ક્યાંની છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. મહિલાની ઓળખ માટે સોશ્યલ મીડિયા સહિત રાજ્યના તમામ જિલ્લાઓના પોલીસ મથકોએ ફોટા સહિતની વિગતો મોકલી આપીને આવી કોઈ મહિલા ગુમ થઈ હોય તો આણંદ રૂરલ પોલીસ કે જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમના નંબર ઉપર સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. મહિલા કોણ અને ક્યાંની હતી અને તેની ઓળખવિધિ થઈ ગયા બાદ હત્યાના ભેદભરમ ઉકેલાઈ જશે તેવો પણ પોલીસ દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.