બેલીફે વિશ્વાસઘાત કર્યો: પ્યુનની નોકરીના બહાને વિધવા પાસેથી ૭ લાખ પડાવ્યા
મહેમદાવાદ કોર્ટના બેલીફે અમદાવાદની એક વિધવા મહિલાને હાઈકોર્ટમાં પ્યુનની નોકરી આપવાનું કહી રૂા. ૭ લાખ પડાવી લેતા મહેમદાવાદ પોલીસે છેતરપીંડીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસા અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં રંગોલીનગર ખાતે ૪૦ વર્ષિય દિપ્તીબેન પરમાર રહે છે. તેઓના પતિ આજથી સાડા ત્રણ વર્ષ અગાઉ મરણ ગયા છે. આ દિપ્તીબેનની નાની બહેન મહેમદાવાદ કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે અને દિપ્તીબેન પણ હાઈકોર્ટમાં નોકરી માટે ફોર્મ ભરેલ હોય કોર્ટની પરીક્ષાની તૈયારીઓ કરે છે. વર્ષ ૨૦૨૩ના જુલાઈ માસમાં દિપ્તીબેન પોતાની નાની બહેનને મળવા મહેમદાવાદ કોર્ટમાં ગયા હતા ત્યારે મહેમદાવાદ કોર્ટમાં બેલીફ તરીકે નોકરી કરતા નિગમ સુરેશભાઈ ભટ્ટ (રહે. વડોદરા) સાથ દિપ્તીબેનનો પરિચય થયો હતો. નિગમે જણાવેલ કે મારી હાઈકોર્ટમાં ઓળખાણ છે, મારા મામા હાઈકોર્ટમાં જજ છે, હું બધાને હાઈકોર્ટમાં સેટીંગથી નોકરી અપાવું છું અને મેં ઘણાં બધાને નોકરીઓ પણ અપાવેલ છે. જેથી તમારે નોકરી જોઈતી હોય તો રૂા. ૧૦ લાખ જેટલો ખર્ચ થશે તેમ કહ્યું હતું.
જો કે દિપ્તીબેન પાસે આટલા બધા નાણાંની સગવડ ન હોય તેમણે નિગમ ભટ્ટ પાસે ઓછી કિંમત કરવા જણાવ્યું હતું. જેથી નિગમ રૂા. ૭ લાખમાં સોદો નક્કી કર્યો હતો. બાદમાં આ નિગમ ભટ્ટે મહિલા પાસેથી જુલાઈ ૨૦૨૩ના રોજ અને ઓગષ્ટ ૨૦૨૩ના રોજ ચેક મારફતે તેમજ ટુકડે ટુકડે રોકડ રૂપિયા મળી કુલ રૂા. ૭ લાખ દિપ્તિબેન પાસેથી મેળવી લીધા હતા અને જણાવ્યું હતું કે હવે પછી બહાલ કરનાર મેરીટમાં તમારું નામ હશે. તમારી નોકરી પાકી. જો કે મેરીટ બહાર પડ્યું હતું. પરંતુ દિપ્તીબેનનું નામ ન હતું. જેથી તેમણે નિગમનો સંપર્ક કર્યો હતો તો સામે નિગમભાઈએ જણાવ્યું કે દિવાળી પછી બીજું મેરીટ લિસ્ટ બહાર પડશે એમાં તમારું નામ હશે. જેથી તમારે થોડી રાહ જોવી પડશે. જો કે દિવાળી બાદ પણ બીજું મેરિટ લીસ્ટ બહાર પાડ્યું ન હતું. દિપ્તીબેન નોકરી મેળવવા માટે આપેલા રૂા. ૭ લાખ પરત આપવા સામેથી નિગમભાઈએ કહ્યું હતું. પૈસાની વ્યવસ્થા થશે એટલે આપી દઈશ તેવું વચન પણ આપ્યું હતું. પરંતુ આજદિન સુધી આ લીધેલા નાણાં દિપ્તીબેનને ન મળતા દિપ્તીબેને સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.