ગુજરાતમાં મહિલા સુરક્ષાના દાવા પોકળ? ખેડામાં સગીરા પર દુષ્કર્મથી ચકચાર
રાજ્યમાં સતત છેડતી અને દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતની મહિલાઓ માટે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે ખેડા જિલ્લાના પુનાજ ગામે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. બકરી ચરાવવા ગયેલી સગીરા પર દુષ્કર્મ આચનાર બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના પુનાજ ગામે 14 વર્ષની સગીરા બકરી ચરાવવા ગઇ હતી ત્યારે બે યુવકો દ્વારા દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સગીરા ગર્ભવતી થતાં તેને વસોના ડૉક્ટર ભરવાડ પાસે લઈ જઈ ગુપ્ત રીતે ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. ડૉક્ટર આરોપી યુવકોના કાકા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. ડૉક્ટરે પીડિતાને ડરાવી ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.
આરોપી દ્વારા પીડિતાના પરિવારને મામલો દબાવવા માટે ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે પીડિતાના પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો એક્ટ તથા બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
સગીરાને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ગર્ભપાત દાટી દેવાયેલા ભ્રૂણનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ભ્રૂણના હાડકાના સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાસે મોકલવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઇ પંચનામા કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે વસોના વિવાદિત ડૉક્ટર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે. અગાઉ પણ ડોકટર ભરવાડ વિવાદોમાં રહ્યા છે, તેમના ક્લિનિકમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
દીકરીઓની સુરક્ષાની મોટી મોટી વાતો વચ્ચે ગુજરાતમાં દુષ્કર્મના બનાવો વધતા રાજ્યની દીકરીઓ અને તમેના પરિવારને ભય અને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાજપ સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે. મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત રાજકારણીઓના ભાષણ અને નિવેદનો પુરતી જ સિમિત રહી ગઈ છે. ગાંધીના ગુજરાતમાં દરરોજ ગુનાનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે.