નવો રસ્તો, જૂની ગફલત: બનાવ્યા બાદ તરત જ ખોદકામ શરૂ
નવો રોડ બનાવ્યાને ગણતરીનો સમય થયો હોય ત્યાં જ પાણી, ગટર કે અન્ય કામગીરી માટે તેની ખોદી કાઢવામાં આવતો હોવાની વાત આણંદ શહેર માટે નવી નથી. તેમાંયે રોડ ખોદીને કામગીરી પૂરી કર્યા બાદ લોકો સલામત રીતે અવરજવર કરી શકે તે માટે ગુણવત્તાભર્યુ પુરાણ કરવામાં જ ન આવ્યું હોવાના અનેક દાખલાઓ જોવા મળે છે. આ સ્થિતિના કારણે નગરજનોને પરેશાનીભરી સ્થિતિ અનુભવવી પડતી હોય છે. આવી જ ઘટના શહેરના વિદ્યા ડેરીથી નાવલી તરફના બનતા રસ્તા પર જોવા મળી છે.
જિલ્લા પંચાયત દ્વારા વિદ્યા ડેરી-નાવલી તરફેના રોડની કામગીરી કરવામાં આવી રહી છે. દરમયાન જીયુડીસી દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત નવા બની રહેલા રોડને અડીને જ પાણીની લાઇન નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં લાઇન નાંખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાતા રોડ પર અડધોથી દોઢેક ફુટ સુધીના જોખમી ખાડા-ભુવા પડી જવા પામ્યા છે. તેમાંયે તાજેતરમાં બે દિવસ ખાબકેલા કમોસમી વરસાદે આ રોડને વધુ વિકટ સ્થિતિમાં મૂકી દીધો છે. જેના કારણે સામાન્ય અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે.
આ મામલે આણંદ જિ.પં.ના કાર્યપાલક ઇજનેર (માર્ગ-મકાન) હિતેષભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, ૩ માસ અગાઉ આ રોડ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. દરમ્યાન પાણી સપ્લાયની લાઇન નાંખવા માટે જીયુડીસીને કામગીરી કરવાની હોવાથી રોડનું કામ અટકાવ્યું હતું. રોડને અડીને લાઇન નાંખવાની કામગીરની સાથોસાથ જીયુડીસી દ્વારા ચેમ્બર પણ બનાવવામાં આવી છે. પરંતુ યોગ્ય પુરાણ ન થવાના કારણે માર્ગ પર જોખમી ભુવા પડયાની રજૂઆતોના પગલે જીયુડીસીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જેથી સમગ્ર લાઇનનું યોગ્ય પુરાણ સહિત રોડ પરના ખાડાઓનું વેળાસર સલામત રીતે અવરજવર કરી શકાય તે પ્રકારે કામગીરી કરવામાં આવશે.