આણંદમાં નાનાં બાળકોનો ભવિષ્ય અટકાયું: ફાયર સેફટી વિના શાળા છ મહિના થી બંધ
આણંદ નગરપાલિકાના સમયગાળા દરમ્યાન રોડ-રસ્તાના અનેક કામો રાતોરાત શરૂ થઇને પૂરા થઇ જતા. કયારેક તો રોડ પર નવો રોડ પણ બની જતો. અનેક વિસ્તારોમાં પેવર બ્લોક નાંખવાની કામગીરી પણ રોકેટ ગતિએ હાથ ધરવામાં આવતી હતી. આ કામગીરીનું જવાબદાર તંત્ર દ્વારા ફટાફટ નિરીક્ષણ સહિતના રિપોર્ટ રજૂ કરીને કોન્ટ્રાકટરના બીલો પણ ચૂકવાઇ જતા. શહેરમાં વિકાસ કામો કરવાની હરણફાળમાં ગ્રાન્ટ લેપ્સ જવાના સંજોગોમાં સભામાં મંજૂરીની અપેક્ષાએ પણ અનેકો કામો કરવામાં આવતા.
જોકે લાખોના કામો કરવામાં માહિર પાલિકાના સત્તાધીશોએ જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ શાળા નં. પમાં સરકારના નિયમોનુસાર ફાયર સેફટીની વ્યવસ્થા ઉભી કરવામાં અગમ્ય કારણોસર ઇચ્છાશકિત દાખવી ન હતી. જેના પાપે આ શાળાને બંધ કરવાની ફરજ પડી હતી અને અહીંના ૧૬૦ વિદ્યાર્થીઓ અને ૬ શિક્ષકોને અમૂલ ડેરી રોડ પરની શાળા નં.૧૪માં ટ્રાન્સફર કરાયા હતા. પરિણામે જૂના બસ સ્ટેન્ડ વિસ્તારના બાળકોને ડેરી રોડ પરની શાળાએ અવરજવરમાં પરેશાનીની સાથોસાથ નાના બાળકોને મૂકવા-લેવા માટે વાલીઓને વધારાની દોડધામની ફરજ પડી રહી છે. સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજય સરકાર દ્વારા નિયત માપથી ઊંચી બિલ્ડીંગોમાં ફાયર સેફટી ફરજિયાતનો નિયમ અમલી બનાવ્યો હતો. જેમાં શહેરની શાળા નં. પ ત્રણ માળની હોવાથી તેમાં ફાયર સેફટી હોવી જરુરી બની હતી. જેથી નગર પ્રા.શિ. સમિતિ દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પાલિકા સંચાલિત શાળા હોવા છતાંયે વિદ્યાર્થીઓ-શિક્ષકો સહિત કર્મચારીઓની સલામતી માટે પાલિકાના બોર્ડની મંજૂરીની અપેક્ષાએ સત્વરે ફાયર સેફટીની વ્યવસ્થા ઉભી કરવાનું પગલું ભરવામાં આવ્યું નહતું.
જેના કારણે નિયમોનુસાર આ ત્રણ માળની શાળામાં ફાયર સેફટી ઉપલબ્ધ ન હોવાથી દિવાળી વેકેશનના ગાળામાં એટલે કે સપ્ટે.ર૦ર૪માં શાળા નં. પને બંધ કરવામાં આવી હતી અને અહીંના ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓ, સ્ટાફને શાળા નં. ૧૪માં ટ્રાન્સફર કરાયો હતો. શૈક્ષણિક સત્રના પ્રથમ ભાગમાં શાળા નં.પમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને બીજા સત્રમાં શાળા નં.૧૪માં અભ્યાસ કરવામાં સ્થળ બદલાવ, વાતાવરણ બદલાવ સહિતના કારણો અસર કરે તે સ્વાભાવિક છે. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ જૂના બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારના હોવાથી તેઓને નવી શાળા દૂર પડતી હોવાથી ભારે વરસાદ, વધુ ઠંડી કે કાળઝાળ ગરમીના કારણે તેઓ શાળાએ જવાનું ટાળતા હોવાથી અભ્યાસને સીધી અસર પડી રહી છે. બીજી તરફ નોકરી-ધંધો કે રોજગાર કરતા મોટાભાગના વાલીઓને બાળકને શાળાએ મૂકવા, લેવા જવાની અનુકૂળતા ન હોવાનું કારણ પણ જોવા મળી રહ્યું છે.
ઉનાળુ વેકેશન અગાઉ ટ્રાન્સફર કરાયેલા વિદ્યાર્થીઓને જૂની શાળામાં પરત લવાશે : શાસનાધિકારી
આણંદ નગર પ્રા.શાળાના શાસનાધિકારી આર.સી.ભોઇએ જણાવ્યું હતું કે, શાળા નં. પ ત્રણ માળની હોવાથી સરકારના નિયમોનુસાર તેમાં ફાયર સેફટી જરુરી હતી. જેના માટે અગાઉ પાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સુવિધા ઉભી ન થવાથી ગત દિવાળી વેકેશન બાદ આ શાળાને શાળા નં. ૧૪માં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જો કે મનપા દ્વારા ફાયર સેફટીની કામગીરી ગત માસે હાથ ધરવામાં આવી હતી. જે લગભગ ચાર-પાંચ દિવસમાં પૂર્ણ થશેનો અંદાજ છે. આથી ઉનાળુ વેકેશન પહેલા ટ્રાન્સફર કરાયેલા વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ,કર્મચારીઓને શાળા નં. પમાં પરત લાવવા માટેનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.
પાલિકાના સમયમાં ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થયો, મનપાએ કામગીરી હાથ ધરી
આણંદ મનપાના અધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે, શાળા નં. પમાં ફાયર સેફટી ઉભી કરવા માટેની રજૂઆત પાલિકાને મળી હતી. સરકારની ગાઇડલાઇન મુજબ પાલિકાએ આ કામગીરી માટે ટેન્ડરીંગ પ્રકિયા હાથ ધરી હતી. પરંતુ સમગ્ર પ્રોેસેસમાં વિલંબ થયો હતો. દરમ્યાન ૧ જાન્યુ.ર૦રપના રોજ મનપા જાહેર થતા અગાઉની તમામ કામગીરી ટેકનીકલ કારણોસર સ્થગિત કરાઇ હતી. મનપાએ કોર્પોરેશનની ગાઇડલાઇન મુજબ કામગીરી હાથ ધરતા પાલિકાના સ્થળોની ફાયર સેફટીની કામગીરી હાથ ધરી હતી. જેમાં શહેરના ટાઉનહોલ અને બાદમાં શાળા નં. પમાં ફાયર સેફટીની કામગીરી માર્ચ માસમાં હાથ ધરવામાં આવી હતી. શાળામાં આ કામગીરી હવે પૂર્ણતાના આરે છે.