આણંદમાં તાપમાન ૪૦થી ઉપર, આરોગ્ય વિભાગે હીટ વેવ માટે તાત્કાલિક માર્ગદર્શિકા જારી કરી
આણંદ શહેર, જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી તાપમાનનો પારો ૪૦ પ્લસ રહેવા સાથે ગરમ પવનોના કારણે લૂ લાગવા, હિટ વેવથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ સંભવિત હીટ વેવને ધ્યાને લઇને રાજય સરકારના આરોગ્ય વિભાગની સૂચના હેઠળ સિવિલ સહિત જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્રોમંાં હિટ વેવ સારવાર માટેની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આણંદ જનરલ હોસ્પિટલ(સિવિલ)માં હિટ વેવના દર્દીઓ માટે ૧૦ બેડ, ઇંજેકશન, દવાઓ, ઓઆરએસ કોર્નર અને તબીબ સહિત છ સ્ટાફની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં ગતરોજ બે દર્દીઓને હિટવેવની અસર થવાથી સારવાર માટે લાવવામાં આવ્યાનું અને તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે. સિવિલ સર્જન ડો.પંડયાએ જણાવ્યું હતું કે, હીટવેવથી વ્યકિતના શરીરમાં પાણી ઓછું થવાથી કાર્ડીયાક અસર થઇ શકે છે. આ પ્રકારના દર્દીની સારવાર માટેનો અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે.
હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડો.નમ્રતા પરીખે જણાવ્યું હતું કે, હાલના હીટવેવના સંજોગોમાં દરેક વ્યકિતએ સાવચેતી રાખવી જરુરી છે. દિવસ દરમ્યાન પાણી, લીંબુ શરબત, છાશનું વિશેષ સેવન કરવું. તેમજ લૂ લાગવા સહિતના લક્ષણો દેખાય તો સત્વરે નજીકના તબીબનો સંપર્ક કરવો.