નવીનીકરણના નામે બંધ શાળા: બાળકો માટે શિક્ષણ બન્યું દૂરસ્થ સપનું
આણંદના જૂના બસ મથક પાછળ પાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સૌથી જૂની પ્રાથમિક શાળા નં 5 આજથી બે વર્ષ અગાઉ કાર્યરત હતી. પરંતુ નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી નવીનીકરણના નામે બંધ કરી દેવાઈ છે. જેને લઇને અહીં અભ્યાસ કરતાં 250થી વધુ બાળકોને એક કિમી દૂર શાળામાં અભ્યાસ કરવા જવું પડે છે.
રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મજૂરી વર્ગના બાળકોને મફત શિક્ષણ નજીક મળી રહે તે માટે દરેક શહેરમાં પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ ચલાવે છે. પરંતુ આણંદમાં વર્ષ અગાઉ નવીનીકરણના નામે બંધ કરેલ પ્રા. શાળા નં 5નું કામ હાથ ધરાશે કે પછી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે તે ચર્ચાનો વિષય બની ગયો છે.
રાજ્ય સરકાર ભણશે ગુજરાત ના પગલે પ્રતિ શૈક્ષણિક વર્ષ ના પ્રારંભે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના આયોજન કરાતાં હોય છે.પરંતુ આણંદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ભણશે ગુજરાત માત્ર કાગળ પર રહેવા પામતું હોય તેમ શહેરના જુના બસમથક પાછળ આવેલ સૈકા જૂની શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં 5 ને છેલ્લા એક વર્ષથી નવીનીકરણ ના બહાને બંધ કરવામાં આવતાં શાળામાં ભણતા સામાન્ય અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ માટે હાડમારી ઉભી થવા પામી રહી છે.તેમ છતા નવીનીકરણ નું કાર્ય હાથ ધરવામાં ન આવતાં શું અડીને આવેલ રેસ્ટોરન્ટ ને સુવિધા ઉપલબ્ધ કરવાના કારણે શાળા નવીનીકરણ ના બહાને બંધ કરાઈ છે? અગાઉ પણ આ રેસ્ટોરન્ટ ને સુવિધા આપવા મુદ્દે સવાલ ઉઠવા પામ્યા હતા.ત્યારે હવે આણંદ મનપા દ્વારા સૈકા જૂની પ્રાથમિક શાળા નું નવીનીકરણ કરી કાર્યાન્વિત કરવા આવે તેમ જનતા ઇચ્છે છે.