ખંભાત: કેમિકલ કંપની વિરુદ્ધ પ્રદૂષણગ્રસ્ત ગ્રામજનોની હાકલ
ખંભાતના સોખડા ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મેસર્સ યુનિટી ડાયકેમ પાઇવેટ લિમિટેડ કંપનીની કલેક્ટર પ્રવીણ ચૌધરી અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિઝનલ ઓફિસર માર્ગીબેન પટેલની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજવામાં આવી હતી.જે દરમિયાન મામલતદાર,આસપાસના ગામના સરપંચો, ગ્રામજનો, કંપનીના માલિકો, હાજર રહ્યા હતા.
મેસર્સ યુનિટી ડાયકેમ પાઇવેટ કંપનીની આ લોક સુનાવણી દરમિયાન ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનોએ ઉગ્ર રજૂઆતો કરી હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.અને જયંતિભાઈ પટેલ (સાધુકાકા)ની મેસર્સ યુનિટી ડાયકેમ કંપની ચાલુ ન કરવા જણાવ્યું હતું.
લોક સુનાવણી દરમિયાન કલેકટર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સમક્ષ ગામજનોએ રજૂઆત કરી હતી કે, સોખડા વિસ્તારમાં કેમિકલ અને ઝેરી ગેસ છોડતી આસપાસના ખેતીલાયક જમીનો, ગ્રામજનોને શ્વાસ લેવામાં તફલીફ, ચામડીના રોગો, પશુઓને પણ આરોગ્ય જોખમાય છે.ઝેરી ગેસ તેમજ કેમિકલને કારણે પાકનો ઉતારામાં ઘટાડો નોંધાયો છે. દરિયા અને ભૂગર્ભમાં પાઇપ લાઇન મારફતે ગેરકાયદેસર કેમિકલ છોડવામાં આવી રહ્યું છે.જેનાથી સજીવ સૃષ્ટિ અને પર્યાવરણને ભારે નુકશાન થઈ રહ્યું છે.કંપનીઓ સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં ભેદભાવની નીતિ અપનાવે છે.સદર કંપની કોઈ પણ શરતે ચાલુ ન થવી જોઈએ. આ અંગે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, લોકસુનાવણી દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.જે રજૂઆતોને ધ્યાનમાં લઇ ભારત સરકારના કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને મોકલી આપવામાં આવશે.અને ઉચ્ચ કચેરી દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે તે બાદ કંપની શરૃ કરવી કે નહી તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.