આણંદ મનપા દ્વારા 18 કોમર્શિયલ દુકાનો સીલ: તુરંત મિલકત વેરો ભરપાઈ કરવા અનુરોધ
આણંદ મહાનગરપાલિકાની દુકાનોના ભાડાની વસુલાત ઉપરાંત ઘરવેરાની વસુલાત અને વ્યવસાય વેરાની વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં બાકી વેરો ન ભરનાર ૧૮ જેટલી કોમર્શિયલ દુકાનો સીલ કરવામાં આવી છે, જેમાં આજે જીટોડીયા રોડ ઉપર આવેલ દેવપ્રિય ઇન્ફા. પ્રાઇવેટ લિમિટેડ, અંશ એકલેવ કોમ્પ્લેક્સની બે દુકાન અને ત્રણ ફ્લેટ બાકી મિલકત વેરાના વસુલાત સંબંધે સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ વિસ્તારમાં ૩૬૦૦, વિદ્યાનગર વિસ્તારમાં ૩૯૦૦ અને કરમસદ વિસ્તારમાં ૩૦૮ મળીને કુલ ૭૭૦૮ લોકોને વેરો ભરવા માટે નોટિસ આપવામાં આવી છે, અને હજી બાકી રહેલા લોકોને વેરો ભરવાની નોટિસ ઇસ્યુ કરવાની કામગીરી ચાલુ છે.
આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા છેલ્લા બે માસ દરમિયાન કુલ ૬.૪૩ કરોડ ઉપરાંતની વસુલાત કરવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારના આણંદ, વિદ્યાનગર, કરમસદ અને તેમાં સમાવેશ લાંભવેલ, ગામડી, મોગરી અને જીટોડીયા વિસ્તારના લોકોને તેમના મિલકત વેરા આણંદ મહાનગરપાલિકા ખાતે ભરવા માટે તારીખ ૩૧ માર્ચ સુધી ધુળેટીની રજા સિવાય રજાના દિવસો દરમિયાન પણ સવારના ૧૧ વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી મિલકત વેરો ભરી શકાશે, જેથી તુરંત જ મિલકત વેરો ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
