માણેકચોકની ભાજીપાંવ, પિત્ઝા, ભેળ, આઈસક્રીમ કે સેન્ડવિચ ખાવા નહીં મળે
અમદાવાદના માણેકચોકના રાત્રિ ખાણીપીણી બજાર હવે તમને એક મહિના માટે બંધ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 4 માર્ચથી 50 વર્ષ પહેલાં માણેકચોકમાં નાખેલી ડ્રેનેજલાઈનના રિહેબિલિટેશનની કામગીરી કરશે, જેના કારણે રાત્રિ દરમિયાન માણેકચોક બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
શહેરના કોટ વિસ્તારમાં માણેકચોક અને આસપાસના વિસ્તારમાં 50 વર્ષથી પહેલાં ડ્રેનેજલાઈન નાખવામાં આવી હતી. ત્યારબાદ આ લાઈન બદલવામાં આવી નથી, જેથી વર્ષો જૂની લાઈન હોવાના કારણે ત્યાં ગટર ઊભરાતી હતી અને જર્જરિત થઈ ગઇ હતી. જેથી કરોડો રૂપિયાના ખર્ચે તેને રિહેબિલિટેશન કરવામાં આવી રહી છે. માણેકનાથ બાવાની સમાધિ ખાણીપીણી બજાર જે વચ્ચેના ભાગે ભરાય છે એ જ સ્થળ પર ભારે મશીનરી મૂકીને કામગીરી કરવામાં આવશે. માણેકચોક પોલીસચોકીની બાજુમાં પાર્કિંગની જગ્યામાં લારીઓ ઊભી રહે છે ત્યાં પણ કામગીરી થશે, જેના કારણે એને પણ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, એકપણ ખાણીપીણીની લારી એક મહિના સુધી માણેકચોકમાં ચાલુ રહેશે નહીં.