રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે નવી તૈયાર થઇ રહેલી બાકરોલ જેલને ગૃહમંત્રી દ્વારા જિલ્લા જેલ ઘોષિત કરવા મંજૂરી
આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી નવી જેલને આણંદ જિલ્લા જેલ તરીકે ઘોષિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અનુસાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. હવે બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીનમાં ૩૭૦ કેદી ક્ષમતા ધરાવતી નવી જેલ બનાવવામાં આવી રહી છે. જેમાં ૩૩૦ પુરુષ કેદીઓ અને ૪૦ સ્ત્રી કેદીઓ માટે ક્ષમતા રહેશે.
જિલ્લા જેલ તરીકે ઘોષિત થવા માટે ઓછામાં ઓછી ૨૪૦ કેદી ક્ષમતા હોવી જરૂરી હોય છે. આ નવી જેલ ૩૭૦ કેદી ક્ષમતા ધરાવતી હોવાથી, તેને જિલ્લા જેલ તરીકે માન્યતા આપવામાં આવી છે.આ જેલના બાંધકામ માટે રૂ. ૬૪.૨૯ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ જેલનું બાંધકામ પૂર્ણ થવાની શક્યતા છે. આ નિર્ણય દ્વારા આણંદ જિલ્લામાં જેલ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.