ઇડરના 12 હજાર પગાર ધરાવતા પરિવારને 36 કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ
સાબરકાંઠાના ઇડરના રતનપુર ગામમાં રહેતા અને અમદાવાદની ખાનગી કંપનીમાં માત્ર 12 હજારની પગારદારથી નોકરી કરતા પરિવારને ઇન્કમટેક્સ વિભાગે 36 કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી છે. જીતેશ મકવાણા (જે કે એન્ટરપ્રાઇઝ) નામે કંપની ચાલુ કરીને કરોડોનું ટર્નઓવર કર્યું હોવાનું નોટિસ દર્શાવ્યું છે.જીતેશના નામે કંપની ખોલી કરોડોનો નાણાકીય વ્યવહાર કર્યા છે. જોકે, ઇન્દિરા આવાસની 36 હજારની સહાય મેળવેલા મકાનમાં પરિવાર રહે છે અને નોટિસ મળતા પરિવારમાં ફફડાટ ફેલાયો હતો.
ઇડર તાલુકાના રતનપુર ગામે રહેતા જીતેશભાઇ રામજીભાઇ મકવાણા માત્ર 12 હજારના પગારે અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પાંચ સભ્યોના ગુજરાન ચલાવે છે. સરકારી ઇન્દિરા આવાસ યોજના હેઠળ 2004- 2025 માં 36 હજારની સહાય મેળવી બનાવાયેલા મકાનમાં રહે છે.
નોટિસમાં દર્શાવ્યા મુજબ, સીજીએસટી વિભાગ દ્વારા મળેલી માહિતીના આધારે જીતેશ રામજી મકવાણા (જે.કે. એન્ટરપ્રાઇઝ) નામે 20.05 કરોડની ઇનપુટ ટેક્સ કેડિટ (આઇટીસી) લીધો હોવાની આવકવેરા ખાતાને જાણ થઇ હતી અને જેના આધારે ઇન્ટમ ટેકસ વિભાગ જીતેશ રામજીભાઇ મકવાણાને 36 કરોડના ટેક્સ ભરવા નોટિસ ફટકારી છે.
જીતેશ મકવાણાના નામે કંપની ચાલુ કરીને કરોડોનું ટર્ન ઓવર કર્યું હતું અને નાણાકીય વ્યવહાર કર્યા હોવાનું નોટિસમાં સામે આવ્યું છે. આવકવેરા વિભાગની કલમો હેઠળ તા.13 એપ્રિલ સુધીમાં જે તે પુરાવા સાથે નોટિસનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે.