“વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકો માટે સરકારનો નવો નિયમ”
ટ્રાફિકના ભંગ બદલ મળતો ઈ-મેમો હવે જારી થયાના ત્રણ મહિનાની અંદર ચૂકવવામાં નહીં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે. વધુમાં કાયદા અમલીકરણ એજન્સીઓ એક નાણાકીય વર્ષમાં ખરાબ ડ્રાઇવિંગ, ટ્રાફિક સિગ્નલનો ભંગ જેવા નિયમોનો ત્રણ વખત ભંગ કરશે તો તેમનું લાયસન્સ ઓછામાં ઓછા ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર માર્ગ અક્સ્માત અટકાવવા તેમજ મેમો પ્રત્યે નાગરિકોની બેદરકારીને ધ્યાનમાં લેતાં આ પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ઘણા રાજ્યોમાં મોટાપાયે ટ્રાફિક મેમો ચૂકવવામાં આવી રહ્યા નથી. જેના લીધે મેમોના માધ્યમથી ખરાબ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો ઉદ્દેશ સફળ થઈ રહ્યો નથી. જેથી સરકાર લાયસન્સ જપ્ત કરવાનું વિચારી રહી છે. વધુમાં જે લોકો પર ઓછામાં ઓછા બે ઈ-મેમો પેન્ડિંગ હોય તો તેમના વાહન પર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધારી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ 23 રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે રિપોર્ટ માગ્યો હતો કે, વ્હિકલ્સ ઍક્ટ હેઠળ મેમો આપવાનું સ્ટેટસ શું છે? આ ઍક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવા, સ્પીડ ગન ચલાવવા તેમજ ઓટોમેટિક નંબર પ્લેટ રજિસ્ટ્રેશન સુવિધા શરુ થઈ છે કે કેમ? આ રિપોર્ટમાં ચોંકાવનારી સ્થિતિ નોંધાતાં કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે.
ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં વિવિધ રાજ્યોમાં ઇશ્યુ થયેલા મેમોમાં દેશની રાજધાની દિલ્હીનો રિકવરી રેટ માત્ર 14 ટકા છે. જ્યારે કર્ણાટકમાં રિકવરી રેટ 21 ટકા છે. બીજી તરફ રાજસ્થાનમાં ઈ-મેમો ચૂકવણી પ્રત્યે સૌથી વધુ 76 ટકા નાગરિકો સજાગ છે. બિહારમાં મેમો રિકવરી રેટ 71 ટકા અને મધ્યપ્રદેશમાં 66 ટકા છે. ઉલ્લેખનીય છે, ચાલુ કેલેન્ડર વર્ષમાં દિલ્હીમાં અત્યારસુધી કુલ રૂ. 4468 કરોડના 5.3 કરોડ ઈ-મેમો ઇશ્યુ થયા છે. જ્યારે રાજસ્થાનમાં રૂ. 2333 કરોડના 87.7 લાખ ઈ-મેમો ઇશ્યુ થયા છે.
ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ વ્હિકલના માલિક કે ડ્રાઇવરને ત્રણ દિવસની અંદર ઈ-મેમો નોટિસ મોકલવામાં આવશે. જેની ચૂકવણી 30 દિવસની અંદર કરવાની રહેશે. જો 30 દિવસની અંદર ચૂકવણી ન થાય તો કોર્ટ સમક્ષ મેમો રજૂ કરવામાં આવશે. તેમ છતાં 90 દિવસની અંદર ચૂકવણી કરવામાં ન આવી તો ડ્રાઇવિંગ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) પેમેન્ટ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવા ઓર્ડર આપવામાં આવશે.