“હિતાવહ મોસમ: 12 જિલ્લાઓમાં વરસાદ, સૌરાષ્ટ્રમાં હીટવેવની ચેતવણી, એપ્રિલમાં 10 દિવસ ભારે”
આજથી એપ્રિલ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. જો કે, ગરમીએ તેનો અસલી રંગ માર્ચમાં જ બતાવી દીધો હતો. હાલ રાજ્યનાં અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી રહ્યો છે. તેની વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. આજની વાત કરીએ તો, આજે હવામાન વિભાગે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની જ્યારે મધ્ય ગુજરાતના ચાર, સૌરાષ્ટ્રના ત્રણ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 31 માર્ચે રાજ્યમાં 41.1 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
આજે 1 એપ્રિલના રોજ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર અમરેલી અને દીવ માટે છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ થન્ડરસ્ટોર્મની વોર્નિંગ પણ આપવામાં આવી છે.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વિસ્તારમાં જ કેસર કેરીનું મબલખ ઉત્પાદન થતું હોય અને હાલ કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે જ જો કમોસમી વરસાદ થાય તો કેરીનો પાક લેતા ખેડૂતોની ચિંતા વધી શકે છે.
હવામાન વિભાગે રાજ્યના ગીર સોમનાથ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરી ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. એટલે કે આ બંને જિલ્લામાં સામાન્ય કરતાં સાડા ચાર ડિગ્રી વધુ તાપમાન જવાની શક્યતા છે.
રાજ્યમાં માર્ચ મહિનામાં સામાન્ય રીતે અડધા દિવસથી બે દિવસ હીટવેવ રહેતો હોય છે, પરંતુ આ વખતે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 6 દિવસ હીટવેવ રહ્યો. જે દેશના અન્ય વિસ્તારો કરતાં સૌથી વધુ છે. માર્ચમાં સામાન્ય રીતે 2 મીમી વરસાદ થવાની શક્યતા હોય છે. પરંતુ રાજ્યના કોઈપણ વિસ્તારમાં વરસાદ પડ્યો નથી.
ભારતીય હવામાન વિભાગે સોમવારે એપ્રિલથી જૂન સુધીના હવામાનનું અનુમાન જાહેર કર્યું. જેમાં જણાવાયું કે, આગામી ત્રણ મહિનામાં રાજ્યમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. સાથે વરસાદ પણ સામાન્ય કરતાં વધુ પડી શકે છે. એટલે કે, ગરમીના દરેક રાઉન્ડ સાથે વરસાદની શક્યતા રહેશે. એપ્રિલમાં સામાન્ય રીતે તાપમાન 30.3થી 40.4 ડિગ્રી રહે છે. પરંતુ આ વખતે એપ્રિલમાં તાપમાન 1થી 3 ડિગ્રી વધુ રહી શકે છે. એટલે કે, પારો 42 ડિગ્રી વટાવી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી વધુ રહેશે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, એપ્રિલથી જૂન દરમિયાન સામાન્ય રીતે હીટવેવ અડધા દિવસથી 6 દિવસ રહેતો હોય છે. તેની સામે આગામી ત્રણ મહિનામાં 10 દિવસ હીટવેવ ફૂંકાઈ શકે છે. એપ્રિલમાં સામાન્ય રીતે અડધા દિવસથી 2 દિવસ હીટવેવ રહેતી હોય છે. પરંતુ ચાલુ મહિને 8 દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે. હીટવેવનો પ્રકોપ દક્ષિણ અને મધ્ય-પૂર્વ ગુજરાત ઉપરાંત ભાવનગર, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં વધુ રહી શકે છે. બીજી તરફ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આ શક્યતા 33 ટકાથી 55 ટકા સુધીની છે. જેમાં ઉત્તર, મધ્યપૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે.