વાસદ નજીક ફૂલના હાર લેવા જતી મહિલાને ટેમ્પોએ અડફેટે લેતાં મોત
વાસદ પાસે ફૂલોના હાર લેવા હાઈવે પર સાઈડમાં ચાલતા જઈ રહેલા પતિ-પત્ની પૈકી પત્નીને પુરપાટ ઝડપે જઈ રહેલા મહારાષ્ટ્ર પાર્સીંગના આઈશરે પાછળથી ટક્કર મારી હતી. જેમાં તેમનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે આઈશરના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના માંજલપુર સ્થિત નવા ફળિયા વિસ્તારમાં 40 વર્ષીય પરેશભાઈ વિનોદભાઈ રાજપુત, પત્ની જ્યોત્સનાબેન, ત્રણ સંતાનો સહિતના પરિવાર સાથે રહે છે. ગત શનિવારે પરેશભાઈ મોસાળ સાસરી વાસદ ખાતે નટુભાઈ પરસોતમભાઈ ગોહેલના ઘરે પ્રસંગ હોઈ પત્નીને લઈને બાઈક પર વાસદ ખાતે આવ્યા હતા. દરમિયાન, શનિવારે રાત્રે મોસાળ સાસરીમાં જ રોકાઈ ગયા હતા. બીજા દિવસે રવિવારે બપોરે એક વાગ્યાની અાસપાસ પરેશભાઈ પત્ની સાથે બાઇક લઈને વડોદરા પરત જવા નીકળ્યા હતા.
દોઢ વાગ્યાની આસપાસ વાસદ કિસ્મત કાઠીયાવાડી હોટલની પાસે પટેલ વાડી નજીક આવતા ફૂલોના હાર લેવાના હોવાથી પરેશભાઈએ પોતાનું બાઈક રોડની સાઈડમાં પાર્ક કર્યુ હતું. અને પત્ની જ્યોત્સનાબેન સાથે રોડની સાઈડમાં ફૂલોના હાર લેવા માટે જતા હતા. તેઓ રોડની સાઈડમાં ચાલી રહ્યા હતા. દરમિયાન, વડોદરાથી અમદાવાદ તરફના હાઇવે રોડ ઉપર વડોદરા તરફથી પુરઝડપે આવી ચઢેલી મહારાષ્ટ્ર પાર્સીંગની આઇસરે જ્યોત્સનાબેનને ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તુરંત જ વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પરેશભાઈ રાજપુતની ફરિયાદના આધારે વાસદ પોલીસે આઇસરના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.