“પદયાત્રાના છઠ્ઠા દિવસે અનંત અંબાણીને બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપ્યો : વનતારા આવવાનું કહેતાં અનંત અંબાણી
રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. આજે છઠ્ઠા દિવસે રાત્રે ત્રણ વાગ્યે તેમણે સોનરડી ગામના પાટિયા પાસેથી પદયાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યે ગુરગઢ ગામના પાટિયા પાસે પૂરી કરી હતી. છ દિવસમાં અનંત અંબાણીએ 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. આજે મહિલાઓએ કંકુ તિલક કરીને અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું. જ્યારે બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપીને વનતારા આવવાનું કહેતાં અનંત અંબાણીએ આમંત્રણ આપતા કહ્યું હતું કે, તમે બધા ચોક્કસથી વનતારાની મુલાકાતે આવજો.
બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપી સ્વાગત કર્યું છેલ્લા છ દિવસથી એટલે કે 28 માર્ચથી અનંત અંબાણી રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીની પદયાત્રા દરમિયાન માર્ગ પર મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ, યુવાનો તેમજ વડીલો અનંત અંબાણીની ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે અને હર્ષભેર સ્વાગત કરે છે. આજે છઠ્ઠા દિવસે મહિલાઓએ કંકુ-તિલક, ચોખા અને બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપી અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું.
અનંત અંબાણીની પદયાત્રાના છઠ્ઠા દિવસે બાળાઓએ અનંત અંબાણીને વનતારાની વિઝિટ કરવાનું કહ્યું તો અનંત અંબાણીએ સામે જવાબ આપતા કહ્યું કે, તમે બધા આવો તમને વનતારાની વિઝિટ કરાવીશ. આ દરમિયાન નિધિ દાવડા નામની એક બાળકીએ અનંત અંબાણીને એક કવર આપ્યું હતું અને કહ્યું હતું કે, આમાં અમારાં માતા-પિતાનો કોન્ટેક નંબર છે. તમે આમાં કોન્ટેક કરીને અમને વનતારાની મુલાકાત કરવા બોલાવજો. ત્યારે અનંત અંબાણીએ કવર સ્વીકારીને હસતાં હસતાં ચોક્કસ બોલાવવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત અનંત અંબાણીએ બાળાઓને નાસ્તો આપ્યો હતો.
અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન ચાલીસા, શ્રીરામ જય રામ..જયજય રામ… ગાયત્રીના પાઠ, હરહર મહાદેવ, જય દ્વારકાધીશના નારાઓ બોલતા જાય છે અને પદયાત્રા કરતા જાય ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. રસ્તામાં તેઓ તમામ બાળકો, વડીલો અને યુવાનોને પ્રસાદી રૂપે નાસ્તો, ઠંડું પીણું અને ફ્રુટ સહિતની વસ્તુઓ પણ સતત આપતા રહે છે. ખાસ કરીને નાનાં બાળકો અનંત અંબાણીને જોવા માટે મોડી રાતથી વહેલી સવાર સુધી રસ્તા ઉપર જોવા મળે છે અને અનંત અંબાણીને જોઈને જય દ્વારકાધીશ…જય દ્વારકાધીશના નારા લગાવે છે.
અનંત અંબાણી રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યાંથી વનતારા પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરે છે. જેઓ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ચાલે છે, જેમાં અંદાજિત 10-11 કિલોમીટર જેટલું અંતર કાપે છે. અનંત અંબાણી યાત્રા શરૂ કરે ને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઇ આરામ કરતા નથી, સતત ચાલ્યા જ કરે છે.
અનંત અંબાણીએ 6 દિવસમાં 60 કિ.મીનું અંતર કાપ્યું અનંત અંબાણીએ 28 માર્ચ 2025ના રોજ રાત્રે ત્રણ વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ પ્રથમ દિવસે વનતારાથી હોટલ શ્યામ વેર, ન્યારા ગેટ સુધી પહોંચ્યા હતા. બીજા દિવસે ખંભાળિયા નજીક મામા સાહેબના મંદિર સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ત્રીજા દિવસે ખંભાળિયા પૂરું કરીને બહાર નીકળતા પોરબંદર તરફ જવાના રસ્તા સુધી પહોંચ્યા હતા. ચોથા દિવસે પગપાળા યાત્રા ખંભાળિયાથી આગળ આવેલા હંસ્થળ પાસે પગપાળા યાત્રા પૂર્ણ કરી હતી. પાંચમા દિવસે સોનરડી ગામના પાટિયા પાસે યાત્રા પૂરી કરી હતી. જ્યારે આજે સોનરડી ગામના પાટિયા પાસેથી પદયાત્રા શરૂ કરીને ગુરગઢ ગામના પાટિયા પાસે પૂરી કરી છે. આમ છ દિવસમાં એમણે 60 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું છે.