“ડીસાના ઢુંવા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટના, 17 જીવ ગુમાવ્યા”
બનાસકાંઠાના ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી લાગેલી આગે અત્યાર સુધી 17 લોકોના જીવ લઇ લીધા છે. હજી મોતનો આંકડો વધવાની શક્યાતા છે. ત્યારે ડીસાથી સારવાર માટે પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ ખાતે ખસેડાયેલા ઇજાગ્રસ્ત યુવકોએ વાતચીતમાં કહ્યું હતું કે, કામ કરતા હતા ને અચાનક ધડાકો થયો, શું થયું અને કેમ થયું..? એ કંઇ ખબર જ ન પડી. અમે બેભાન થઇ ગયા. જ્યારે આંખ ખુલી ત્યારે ચારે બાજુ આગ જ આગ હતી. પછી અમે ભાગ્યા, શરીર આખુ બળી ગયું હોય એવું લાગે છે.
આગમાં ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે કંઇ ખબર ન પડી કેવી રીતે થયું. અંદર કામ કરતા હતા ને અચાનક આગ લાગી તો ત્યાંથી ભાગ્યા. કેટલા લોકો અંદર હતા એ કઇ ખબર ન પડી. અંદર અચનાક ફટાકડાનો બ્લાસ્ટ થયો હતો. અન્ય ઇજાગ્રસ્ત વિજય નામના યુવકે જણાવ્યું હતું કે, અમે અંદર 20-25 લોકો હતા. કંઇ ખબર ન પડી કઇ રીતે બ્લાસ્ટ થયો. અચાનક ધડાકો થયો એના પછી કંઇ ખબર ન પડી શું થયું. આંખો ખોલી ત્યારે આગ જ આગ હતી. આખુ શરીર બળી ગયું હોય એવું દાઝે છે. કઇ રીતે બધુ થયું એની કંઇ જાણ જ ન રહી.
સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ સુનીલ જોશીએ જણાવ્યું હતું કે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગેલી એમાં દાઝેલા બે દર્દીઓને અહીં લાવવામાં આવ્યા છે, જેમાંથી એક દર્દી 60 ટકાથી વધુ દાઝી ગયો છે, જેની હાલત વધુ ગંભીર છે. જ્યારે બીજો દર્દી આઠથી દસ ટકા દાઝ્યો છે, એને વાંધો આવે એમ નથી. હાલ બંનેની મેઇન સર્જિકલ વોર્ડમાં સારવાર ચાલી રહી છે.
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 17 મજૂરનાં મોત થયા છે. જ્યારે કેટલાક મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે.