“આણંદ શહેરમાં 8 મહીનામાં 11 ઇ-ચાર્જિંગ સ્ટેશન બનાવવાની યોજના”
આણંદ મનપાના કમિશનર મિલિન્દ બાપનાએ શહેરને સ્વચ્છ અને ડસ્ટ મુક્ત બનાવવા સાથે સાથે રિન્યુએબલ એનર્જી થકી નેટ ઝીરો ઉત્સર્જન દ્વારા પ્રદુષણ મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધર્યુ છે. જેના ભાગ રૂપે શહેરમાં 11 સ્થળોએ ઇવી ચાર્જ સ્ટેશન ઉભા કરવા માટેની રૂપ રેખા તૈયાર કરી દિધી છે. જેથી હાલ આણંદ શહેરમાં ફરી રહેેલા 30 હજારથી વધુ ઇ-બાઇક અને 3 હજારથી વધુ ઇ-કાર ધારકોને ચાર્જિંગની સમસ્યામાથી મુક્તિ મળશે.
આણંદ મહાનગર પાલિકા દ્વારા માનવ સ્વાસ્થ્યને ધ્યાને લઇ પ્રદુષણ મુક્ત શહેર બનાવવા અભિયાન હાથ ધર્યુ છે. મનપાના સુત્રોના જણાવ્યા અનુસાર ઇ-ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા માટે રાજ્ય સરકારની તંત્ર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ શહેરમા મનપા હસ્તકની જગ્યા પર વિદ્યાનગર રોડ ,જનતા ચોકડી રોડ,સ્ટેશન રોડ, 100 ફુટ રોડ , ગણેશ ચોકડીથી બોરસદ ચોકડી રોડ તેમજ કરમસદ અને વિદ્યાનગરમાં જગ્યા મળે ત્યાં ઇ-ચાર્જિંગ સ્ટેશન ઉભુ કરાશે. ઇ-વાહનો ઝડપથી ચાર્જિંગ થાય તેવા ઇ-સ્ટેશનો ઉભા કરાશે. આણંદ શહેરના માર્ગો પર ઇ-રીક્ષાઓ દોડતી કરાશે આણંદ મનપાના કમિશનર મિલિન્દ બાપનાએ જણાવ્યુ હતું કે શહેરમાં દોડતી પેટ્રોલ-ડિઝલથી ચાલતી રીક્ષાનું ચલણ ઘટાડાવા આરટીઓ સાથે સંકલન કરી પ્રયાસો કરાશે. તેની જગ્યાએ શહેરમા ઇ-રીક્ષા દોડતી થાય તેવા પ્રયાસો હાથ ધરવામા આવશે. શહેરના ઇ-વાહન ચાલકોને ચાર્જિંગની મુશ્કેલી ના પડે તે માટે શહેરના માર્ગો પર પ્રાઇમ લોકેશન પર ઇ-ચાર્જિંગ સ્ટેશન ઉભુ કરાશે. આગામી 10 વર્ષમાં 1.75 લાખ ઇ વાહનો થવાનો અંદાજ વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આગામી 10 વર્ષમાં 1.50 લાખ ઇ-બાઇક , 20 હજાર ઇ-કાર, 2 હજાર ઇ-રીક્ષા તેમજ 2 હજાર ઇ-લોડિંગ વાહનો દોડતા જોવા મળશે. આ અંદાજને ધ્યાને લઇ માર્ગો પર ઇ-ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે.
હાલ મોટાભાગના વાહનચાલકો ઘરે વાહનો ચાર્જ કરવા પડે છે. આણંદમાં પાલિકા નગર ચોકડી પાસે અને જનતા ચોકડી નજીક ઇ ચાર્જીંગ સ્ટેશન છે. જેમાં હાલ વીજ યુનિટ પ્રમાણે 6 થી 8 રૂપિયા ચાર્જ લેવાય છે.