“પેટલાદ: ચીફ કોર્ટએ રીક્ષાચાલકના વિરૂદ્ધ સજા યથાવત રાખી, સેશન્સ કોર્ટનો ફટકારો”
પેટલાદની ચીફ કોર્ટે સને ૨૦૦૭માં પંડોળી ફાટક પાસે સર્જાયેલા અકસ્માતમાં ચારના થયેલા મોત સંદર્ભે સોજીત્રા તાલુકાના કાસોરના રીક્ષાચાલકને અકસ્માતના કેસમાં ફટકારેલી ૨ વર્ષની કેદની સજા યથાવત રાખતો ચુકાદો જાહેર કરીને જામીન રદ કરીને વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાસોર ગામે રહેતો રમેશભાઈ રણછોડભાઈ તળપદા પોતાની સીએનજી રીક્ષામાં કેપેસીટી કરતા વધુ એટલે કે ૯ જેટલા મુસાફરોને બેસાડીને ગત તારીખ ૧૦-૬-૨૦૦૭ના રોજ બપોરના સુમારે પંડોળી તરફ જવા નીકળ્યો હતો. દરમ્યાન બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે પંડોળી-આનંદપુરા રોડ ઉપર આવેલા માનવ વિહોણું રેલ્વે ફાટક ટ્રેન આવે છે કે નહીં તેની ખાતરી કર્યા વગર ક્રોસ કરવા જતા ખંભાત તરફથી આવતી મેમુ ટ્રેનની અડફેટે આવી જતાં રીક્ષા ફંગોળાઈ ગઈ હતી અને તેમા ચાર મુસાફરોના મોત થયા હતા. જ્યારે બીજા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને રીક્ષા ચાલક રમેસભાઈ તળપદાની ધરપકડ કરી હતી અને પુરતા પુરાવા મળતા ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ.
આ કેસ પેટલાદની ચીફ કોર્ટમાં ચાલી જતા તારીખ ૨૮-૧૧-૧૯ના રોજ કોર્ટે રીક્ષાચાલક આરોપી રમેશભાઈને તકશીરવાર ઠેરવીને કુલ બે વર્ષની સાદી કેદની સજા અને ૮૫૦૦ રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ચુકાદાથી નારાજ થઈને રમેશભાઈએ પોતાના વકિલ મારફતે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનાવણી યોજાઈ જતાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકિલ જે. એચ. રાઠોડે દલિલોને ધ્યાનમાં લઈને અરજી નામંજુર કરી હતી. જજ ઝંખનાબેન ત્રિવેદીએ પોતાના ચુકાદમાં જણાવ્યું હતુ કે, સજાના હુકમમાં ફેરફાર કરવો પડે તેવું કોઈ કારણ જણાઈ આવતુ નથી. ટ્રાયલ કોર્ટે કાયદાકીય પુરાવાઓનું યોગય મુલ્યાંકન કરીને યોગ્ય અને ન્યાયિક હુકમ કરેલાનુ જણાઈ આવે છે. જેથી અરજદાર આરોપીની અરજી નામંજુર કરવામાં આવે છે અને જામીન રદ કરીને સજાના અમલીકરણ માટે સજા વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો હતો.