Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

આણંદ-ખેડા જિલ્લામાં રામનવમીની ઉત્સાહભરી અને ભક્તિભાવપુર્ણ ઉજવણી

આણંદ-ખેડા જિલ્લામાં રામનવમીની ઉત્સાહભરી અને ભક્તિભાવપુર્ણ ઉજવણી

આણંદ અને ખેડા જીલ્લામાં ભગવાન રામના જન્મોત્સવ નિમિત્તે ઉજવવામાં આવતા રામનવમીના તહેવારની પુરા ભક્તિભાવપુર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રામજી મંદિરોને શણગારવામાં આવ્યા હતા અને ભવ્ય મહા આરતી યોજાઈ હતી. જેનો લાભ હજારો ભક્તોએ લીઘો હતો. આણંદ, પેટલાદ, ખંભાત, સોજીત્રા, ઉમરેઠ, બોરસદ, તારાપુર સહિત કેટલાક ગામોના મંદિરોમાં અન્નકુટ સહિત ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. રામનવમીને લઈને આણંદ શહેર સહિત કેટલીય જગ્યાએ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં હજારો ભક્તો જોડાયા હતા. શોભાયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના નડીઆદ, કપડવંજ, કઠલાલ, માતર, ખેડા, મહેમદાવાદ અને ઠાસરા સહિત તાલુકા મથકોએ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. નડીઆદમાં પણ સાંજના સુમારે શોભાયાત્રા નીકળી હતી. જે વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

આણંદમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી આજે ભગવાન રામના જન્મની ઉજવણી પ્રસંગે મનાવાતા રામનવમીના તહેવાર નિમિત્તે આણંદ શહેરની નાની ખોડીયાર, ગંગદેવનગર ખાતે આવેલા નાકાવાળા હનુમાનજી મંદિરેથી સાંજના સુમારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા સો ફુટના રોડ, સરદારબાગ પોલીસ ચોકી, એન. એસ. પટેલ સર્કલ, નવા બસસ્ટેન્ડ થઈને ગામડીવડથી રામજી મંદિરે પહોંચી હતી. જ્યાં સમાપન થયું હતુ. શોભાયાત્રામા મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. વિવિધ વેશભુષાધારણ કરેલા ભક્તો સમગ્ર શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઘોડેશ્વાર દ્વારા કરાયેલા વિવિધ કરતબોને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.

પેટલાદમાં રામનવમી નિમિત્તે ભગવાન રામના જન્મની વધામણી કરતા રણછોડજી મંદિરના પ્રાંગણથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પેટલાદમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ શોભાયાત્રા નિત્ય રૂટ પર ફરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. પેટલાદ શહેરમાં રામનવમીના પાવન દિવસે ભગવાન રામના જન્મના વધામણાં ભારે ધાર્મિક આસ્થા સાથે રામજી કી સવારી એટલે કે ભવ્ય શોભાયાત્રા સાંજે ૪.૦૦ વાગે રામજી મંદિર પાલિકા સ્ટેડિયમ પાસેથી નીકળી હતી. ડીજેના તાલે નીકળેલી આ યાત્રામાં રામ લ-મણની જોડી, બગી અને ટ્રેક્ટરમાં ભગવાન રામના કટઆઉટ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા નવાપુરા, ચાવડી બજાર, ભાઈ ચકલા, અંબામાતા મંદિર, પટેલ સોડા ફેક્ટરી, છીપવાડ, નાગરકુવા, ચાવડી બજાર, ગાંધીચોક, સરદાર ચોક, ટાઉનહોલ થઈ સાંજે રામજી મંદિર શાંતિપૂર્ણ રીતે પહોંચી હતી. નાગરકુવા, અંબામાતા ચોક, ગાંધીચોક ખાતે શોભાયાત્રાને લઈ પોલીસ દ્વારા ડ્રોન કેમેરા વોચ સહિત ટેકનોલોજીથી ચુસ્ત બંદોબસ્ત કરાયો હતો. શહેરના વિસ્તારમાં પણ ધાબા પોઈન્ટ ગોઠવી શોભાયાત્રા નિમિત્તે બાજનજર રખાઈ હતી. ઠેર ઠેર શહેરના માર્ગો ઉપર ભગવા ગેટ અને ઝંડાઓ લહેરાવી યુવાનોએ ભારે ધાર્મિક જુસ્સા અને ઉત્સાહપૂર્વક શોભાયાત્રાને સફળ બનાવી હતી. શોભાયાત્રામાં ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, પાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ જોષી, અગ્રણીઓ શહેર ભાજપ પ્રમુખ ધર્મન્દ્ર પટેલ, સંગઠનના હોદ્દેદારો, પાલિકાના કાઉન્સિલરો, ધાર્મિક હોદ્દેદારો સહિત રામભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.

પવિત્ર રામનવમીના પર્વ ઉમરેઠ શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂર્વ ભીડભંજન હનુમાન મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉમરેઠ પાલિાના પ્રમુખ કનુભાઈ શાહ (બેંગ્લોરી) તેમજ પાલિકાના સભ્યો ઉસ્થિત રહ્યા હતા. ભીડભંજન હનુમાન મંદિરથી શોભાયાત્રા આરંભ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા હતા. ઠેરઠેર શોભાયાત્રાને આવકાર આપવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમ્યાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા જત લોકો ભગવનાન રામના જયઘોષે ગૂંજતા જોવા મળ્યા હતા. યુવાનો દ્વારા વિવિધ વેશભૂષા અને પાવન ધ્વજ સાથે શોભાયાત્રાએ સમગ્ર શહેરમાં ધાર્મિક ઉમંગ છલકાવ્યો હતો. સ્થાનિક લોકો અને ધાર્મિક સંગઠનોના સહયોગથી શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે શોભાયાત્રા સંપન્ન થઈ હતી.

Advertisement

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ૨૫૦૦થી વધુ મંદિરોમાં રામ જન્મોત્સવની ઉજવણી : નડિયાદ શહેર સહિત કેટલી જગ્યાએ શોભાયાત્રા નીકળી, અન્નકૂટ મહોત્સનું પણ આયોજન

ખેડા જિલ્લામાં ચૈત્ર સુદ નોમ નિમિત્તે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જિલ્લાના અંદાજે ૨૫૦૦થી વધુ રામજી મંદિરોમાં રામજન્મોત્સવની પુરા ભક્તિભાવપુર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ, કપડવંજ, કઠલાલ, માતર, ખેડા, મહેમદાવાદ અને ઠાસરા સહિતના તાલુકા મથકોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક સ્થળોએ વિશેષ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. નડિયાદમાં સાંજે રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. નડિયાદના સંતરામ સર્કલ પાસે આવેલ રામજી મંદિરમાં સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈએ પ્રભુ શ્રીરામના દર્શન કરી આરતી ઉતારી હતી. તેમણે સૌ દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવન માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ભાજપ સંગઠનના પદાધિકારીઓ, પૂર્વ કાઉન્સિલરો અને અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બપોરે ૧૨ વાગ્યે તમામ રામજી મંદિરોમાં રામજન્મોત્સવ નિમિત્તે મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં રામભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરોમાં અન્નકૂટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખંભાત સ્થિત સ્વામિનારાયણ મંદિર રાણા ચકલા ખાતે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોની પરંપરા મુજબ ઓચ્છવ ગાન સાથે ભગવાન શ્રીરામના ગુણાનુવાદ ગાવામાં આવ્યા હતા. બરોબર ૧૨ કલાકે મંદિરના મુખ્ય કોઠારી વેદાંત વલ્લભદાસજીએ જન્મોત્સવની દિવ્ય આરતી ઉતારી હતી. આ પ્રસંગે મંદિરના આસિસ્ટન્ટ કોઠારી ધર્મનંદન સ્વામી, પુજારી ભક્તિનંદન સ્વામી, પ્રેમ સ્વરૃપ સ્વામી અને શાસ્ત્રી જ્ઞાાન વલ્લભદાસજી સહિત સૌ સંતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશ અને ગુજરાતના દરેક હિન્દુ મંદિરોમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ખંભાત સ્વામિનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો છે.

સમગ્ર વિશ્વમાં સંવાદિતાના સીમાચિહ્ન સમા, સનાતન હિન્દુ ધર્મના ગૌરવ એવા બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની અનેરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અબુધાબી મંદિરના મુખ્ય કાર્યવાહક સંત એવા પૂ. બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યા પ્રમાણે આજે રામનવમી નીમિત્તે સવારથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક મંદિર દર્શન માટે ઉમટ્યા હતા. યુએઈમાં વસતા હજારો ભક્તો-ભાવિકો માટે આ અણમોલ અવસર હતો. જેમાં મંદિરમાં શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ૯ થી ૧૨ દરમ્યાન રામ ભજનો તેમજ મધ્યાહન સમયે ૧૨ વાગે શ્રી રામ જન્મોત્સવ આરતીનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો. ગંગા, યમુના અને સરસ્વતીના સંગમતીર્થ પર રચવામાં આવેલા ગંગા ઘાટ પર બીએપીએસના કલાકાર યુવા-યુવતીઓ દ્વારા ભગવાન શ્રી રામના દિવ્ય,પ્રેરણાદાયી જીવનચરિત્રોની વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement