ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્વક અને આનંદમય રીતે પૂર્ણ
ખંભાત શહેરમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ જવા પામતાં પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો છે. શકરપુર સ્થિત રામજી મંદિરથી નીકળેલી આ પરંપરાગત શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગોપાલ સર્કલ ખાતે સમાપ્ત થઈ હતી. શક્કરપુર ખાતે આવેલા રામજી મંદિરેથી નીકળેલી આ શોભાયાત્રા જકાતનાકા, પાણીયારી મેદાન, અલિંગ ચાર રસ્તા, લાંબી ઓટી, ઝંડા ચોક થઈને સરદાર ટાવર અને ત્યાંથી ગોપાલ સર્કલ ખાતે પહોંચી હતી અને ત્યાં શોભાયાત્રા પુર્ણ થઈ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. સને ૨૦૨૩માં નીકળેલી શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો થતાં તોફાન ફાટી નીકળ્યું હતુ. જેને લઈને પોલીસે બન્ને પક્ષોની સામસામે ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
દરમ્યાન આજે નીકળનારી શોભાયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ડીએસપી જી. જી. જસાણી, ડીવાયએસપી એસ. બી. કુંપાવત સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને એસઆરપી તેમજ હોમગાર્ડના જવાનોને બંદોબસ્તમાં જોતરવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, ખંભાત ના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, પ્રદેશ પ્રતિનિધિ પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, શહેર સંગઠન પ્રમુખ તપન શુક્લ, તાલુકા સંગઠન પ્રમુખ સાગર પટેલ, નગરપાલિકા કાઉન્સિલર રાજભા તથા કેડીસીસી બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.