ખંભાત જીણજ ગ્રામ્ય પંચાયતની જૂની કચેરીનો પડકાર, નવીનીકરણની માંગ
ખંભાત તાલુકાના જીણજ ગ્રામ્ય પંચાયત કચેરી છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બનતા કચેરીનું નવ નિર્માણ અંગે સ્થાનિક ગ્રામજનો અને સભ્યો દ્વારા માંગ કરાઈ છે. જીણજ ગ્રામ્ય પંચાયત બ્રિટિશ સમયની જૂની કચેરી છે.જેની છત ઉપર પતરાંનો ભાગ જર્જરિત બનતા છત લાકડાના ટેકા પર સ્થિર રખાઈ છે.જેને લઇન પંચાયતના કર્મચારીઓને જીવના જોખમે કામ કરવાનો વખત આવ્યો છે.તેમજ પંચાયતમાં કોઇ કામ લઇને આવતાં અરજદારો ગમે ત્યારે તૂટી પડવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે 80 વર્ષ ઉપરાંત જૂના પંચાયતના મકાનનું નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી છે.
આ અંગે સ્થાનિક પંચાયતના સરપંચ આનંદીબેન પટેલ અને પૂર્વ સરપંચ તેમજ સભ્યો દ્વારા નવી અદ્યતન સુવિધા સજ્જ કચેરી બનાવવા અંગે માગ કરી છે.આ માંગણી અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી એમ જણાવ્યું હતું. જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયતો પાંચ દાયકા અગાઉ બનાવી હોવાથી જર્જરીત હાલતમાં છે. જેમાં જિલ્લા પંચાયત દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી 40થી વધુ ગ્રામ પંચાયતોનું નવ નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. ત્યારે જીણજની પંચાયતનો પણ સમાવેશ કરાવા માંગ.