ડીસામા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ આણંદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું
ડીસામા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ આણંદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે જીટોડિયા મોગરી રોડ પર અને ચિખોદરા વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થના વેચાણ કરતાં પરવાનેદારોના ગોડાઉન પર પ્રાંત અધિકારી અને મામલદાર સહિત ટીમોએ આકસ્મિક રેડ કરીને મોગરી ગોડાઉનમાંથી ફાયર એનઓસી રીન્યુ ન કરાવી સહિત નક્કી કરેલ પરવાના મુજબના જથ્થા કરતાં વધુ સ્ટોક મળી આવ્યો હતો. તેમજ જરૃરી ફાયર સેફટીના સાધનો અભાવ હોવાથી ૨ ગોડાઉન સીલ કરીને નોટીસ પાઠવવામાં આવી છે. તેઓને સાંભળ્યા બાદ લાયસન્સ ચાલુ રાખવું કે નહીં તેનો નિર્ણય લેવામા આવશે તેમ જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર , આણંદ શહેર, ચિખોદર ચોકડી, મોગરી રોડ સહિત પાંચ વધુ કાયમી પરવાનો ધરાવતાં ભોલેનાથ ફટકાડા ભંડારના ગોડાઉન સહિત અન્ય ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી.
જેમાં ૧૦૦ કિલો જથ્થાના પરવાનગી સામે વધુ ફટાકડાનો સ્ટોક રાખવો તેમજ માત્ર ૨ હજાર કિલો વિવિધ ફટકડા રાખવાની પરમીશન હોવા છતાં ૫ હજાર કિલો ફટાડકાનો સ્ટોક મળી આવતાં અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. તેમજ ફાયર એનઓસી રીન્ય કરાવી ન હતી. ગોડાઉનમાં માલ ભર્યા બાદ મજૂરો સહિત આસપાસ વિસ્તારની સુરક્ષા માટે આયોજનનો અભાવ હતો જેથી ૨ ગોડાઉન સીલ કરવામાં આવ્યાં છે. જ્યારે અન્ય વેપારીઓને નોટીસ પાઠવીને તેઓની પાસે જવાબ માગવામાં આવ્યાં છે. જો સંતોષકારક જવાબ નહી મળે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.