ખંભાત: ચેક રીટર્ન મામલામાં વેપારીને એક વર્ષની સજા
ખંભાત તાલુકાના વૈણજ ગામે રહેતા અને વેપાર કરીને જીવન ગુજરાન ચલાવનારને સોના-ચાંદીના દાગીના ખરીદી પેટે આપેલો ૫.૯૦ લાખના ચેક રીર્ટન કેસમાં ખંભાતની કોર્ટે તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પિંકેશકુમાર કમલેશભાઈ વાગર રાધિકા જ્વેલર્સના નામથી ખંભાત ખાતે સોના-ચાંદીના દાગીના વેચવાની દુકાન ધરાવે છે. વૈણજ ગામે રહેતો બચુભાઈ ભવાનભાઈ ભરવાડે ગત તારીખ ૫-૬-૨૧ના રોજ ૨,૦૩,૫૯૦, તારીખ ૧૮-૧-૨૦૨૨ના રોજ ૩.૮૦ લાખ અને તારીખ ૭-૨-૨૨ના રોજ ૪૮ હજારના મળીને કુલ ૬,૩૧,૫૯૦ રૂપિયાના દાગીના ખરીદ્યા હતા. જે પેટે માત્ર ૪૧,૫૯૦ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ પિંકેશકુમારે વારેઘડીએ ઉઘરાણી કરતા બચુભાઈ ભરવાડે ૫.૯૦ લાખનો ચેક આપ્યો હતો. જે ખાતામાં ભરતાં તે અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. જેથઈ રીર્ટન મેમા સાથે બચુભાઈ ભરવાડનો સંપર્ક કરતા તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો અને લેણાં નીકળતા નાણાં ચુકવી આપ્યા નહોતા. જેથી નોટિસ મોકલીને કાનની પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ ખંભાતની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ દાખલ કર્યો હતો.
જેની સુનાવણી એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફે ઉપસ્થિત વકિલની દલિલો તેમજ રજુ કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને જજ બી. એચ. ઓડેદરાએ આરોપી બચુભાઈ ભરવાડને તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને દશ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સાથે સાથે ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ચુકવી આપવી, નહીં તો વધુ ૩ માસની સાદી કેદની સજા અલગથી ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.