વાસદ-બગોદરા સીકસલેન હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ૪ના મોત
વાસદથી બગોદરા તરફ જવાના રોડ ઉપર આવેલા આસોદર અને નાર પાસે આજે છ કલાકની સર્જાયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં કુલ ચારના મોત થતાં હાઈવે લોહીયાળ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. માત્ર છ કલાકની અંદર જ આ સીક્સલેન હાઈવે ઉપર આસોદર રેલ્વે ઓવરબ્રન્જ અને નારના ઓવરબ્રીજ પાસે અકસ્માતો સર્જાયા હતા. જેમાં ચારના મોત થયા હતા. આ ગોઝારા અકસ્માતને લઈને સીક્સલેઈન હાઈવે પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. જેને ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સ્થળ પરથી દુર કરીને હળવો કર્યો હતો. બપોરના સવા એક વાગ્યાના સુમારે આસોદર રલ્વે ઓવરબ્રીજ નજીક પુરપાટ ઝડપે જતી એક કારે આગળ જતા બાઈકને ટક્કર મારતાં બે આશાસ્પદ કિશોરોના મોત થયા હતા. હજી પોલીસ કાર્યવાહી પુર્ણ કરે તે પહેલા જ સાંજના સવા સાતેક વાગ્યાની આસપાસ નાર ગામના ઓવરબ્રીજ પહેલા પુરપાટ ઝડપે જતી બોલેરો કારે રીક્ષાને ટક્કર મારતાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. જેમાં રીક્ષામાં સવાર બન્નેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા. બન્ને અકસ્માતો સંદર્ભે આંકલાવ અને પેટલાદ રૂરલ પોલીસે ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
વાસદ-બગોદરા સ્ટેટ હાઈવે ઉપર આવેલા આસોદર રેલ્વે ઓવરબ્રીજ પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી એક કારે આગળ જતા બાઈકને ટક્કર મારતાં બે મિત્રોના મોત થયા હતા.એકનં સ્થળ પર જ જ્યારે બીજાનું વડોદરાની સયાજી હોસ્પીટલમાં મોત થયું હતુ. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કારના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માતની મળતી વિગતો અનુસાર મુળ ભાવનગર જિલ્લાના પરંતz હાલમાં બોરસદ ખાતે ફરિયાદી બલીભાઈ ઉર્ફે બળદેવભાઈ વીનુભાઈ વાઘેલા તેમજ પરિવાર સાથે તેમજ સમાજના અન્ય સંબંધીઓ સાથે રહે છે. તેમના ઘરની નજીકમાં આવેલા અનાજ કરિયાણાની દુકાનવાળા મફતભાઈ દરબારના ભાણાની હળદરી ગામે બાબરીનો પ્રસંગ હોય તેમને પણ આમંત્રણ આપ્યું હતુ. જેથી તેમનો ભાઈ સાહિલ (ઉ. વ. ૧૬)અને નજીકમાં જ રહેતો સંબંધી સુનિલભાઈ ઈસાભાઈ વાઘેલા (ઉ. વ. ૧૫) બાઈક લઈને હળદરી જવા માટે નીકળ્યા હતા. બપોરના સવા એક વાગ્યાના zસુમારે તેઓ આસોદર રેલ્વે ઓવરબ્રીજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બોરસદ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલી કાર નંબર જીજે-૦૫,, આરએમ-૦૭૪૩એ ટક્કર મારતાં બન્ને મિત્રો બાઈક સાથે ૩૦૦ મીટર દુર ફેંકાઈ ગયા હતા જેમાં સાહિલને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતુ. જ્યારે સુનિલને પણ માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માતના પગલે-પગલે વાહનચાલકો તેમજ આસપાસ રહેતા ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા સુનિલને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું અવસાન થયું હતુ. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને ટક્કર મારનાર કારના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વાસદ-બગોદરા સ્ટેટ હાઈવે ઉપર આવેલા પેટલાદ તાલુકાના નાર ગામની સીમમાં સબરી હોટલ સામે આજે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતી એક બોલેરો કારે સામેથી આવતી રીક્ષાને ટક્કર મારતાં તેમાં સવાર તારાપુરના બેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુર ખાતે રહેતા ગોરધનભાઈ રામાભાઈ પરમાર (ઉ. વ. ૬૦)તેમજ રાવજીભાઈ શનાભાઈ વાલ્મિક (ઉ. વ. ૫૮)આજે સાંજના સવા સાતેક વાગ્યામાં સુમારે રીક્ષા નંબર જીજે-૭, ડબલ્યુ-૮૫૭૯માં સવાર થઈને નાર ગામની સીમમાં આવેલી સબરી હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલી બોલેરો કાર નંબર જીજે-૧૮, બીડબલ્યુ-૦૫૮૫એ ટક્કર મારતા રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. જેમાં સવાર ગોરધનભાઈ અને રાવજીભાઈને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. બોલેરોના આગળના ભાગને પણ નુકશાન થવા પામ્યું હતુ. ધડાકાભેર અકસ્માત થતાં જ આસપાસના રહીશો તેમજ વાહનચાલકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તુરંત જ ૧૦૮ મોબાઈલ અને પોલીસને જાણ કરતા તેઓ પણ સ્થળ પર પહોચી ગયા હતા. જ્યાં ૧૦૮ની ટીમે તપાસીને બન્નેને મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું હતુ. પોલીસે મૃતદેહોનો કબ્જો લઈને પેટલાદ સિવિલ હોસ્પીટલમાં પીએમ માટે મોકલી આપી હતી. અને ફરિયાદ લેવાની તજવીજ હાથ ઘરી હતી. પ્રાથમિક તપાસમાં તારાપુરના બન્ને પેટલાદ ખાતે રીક્ષા રીપેરીંગ માટે આવ્યા હતા અને ત્યાંથી પરત જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.