આણંદ : ગ્રીડ ચોકડી પાસે મિત્રને મળવા આવેલા ચોરે ચોરી કરી અને એક્ટીવા પર ફરાર
આણંદ શહેરની ગ્રીડ ચોકડી પાસે આવેલા શંભુનગરમાં રહેતી એક મહિલાના ઘરમાંથી ગઈકાલે સવારના સુમારે કબાટના લોકર ખોલીને અંદર મુકેલી ૨.૪૩ લાખ ઉપરાંતની કિંમતના સોના-ચાંદીના દાગીના ભરેલી થેલીની ચોરી કરનાર શખ્સને શહેર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને ચોરીમાં ગયેલા દાગીના જપ્ત કર્યા હતા. ચોરી કરનાર ફરિયાદી મહિલાના પુત્રનો મિત્ર જ નીકળવા પામ્યો છ.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિદ્યાબેન ભાવેશભાઈ પરમાર ગઈકાલે સવારના સુમારે ધાબા ઉપર પાપડી બનાવી રહ્યા હતા. ત્યારે કોઈ શખ્સે ઘરમાં ઘુસીને બેડરૂમમાં આવેલુ ંકબાટ ખોલી લોકરમાંથી ૨,૪૩,૫૦૦ રૂપિયાની મત્તાના સોના-ચાંદીના દાગીના મુકેલી થેલીની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સાડા દશેક વાગ્યાના સુમારે વિદ્યાબેન પુત્રને પૈસા આપવાના હોય ધાબા પરથી નીચે આવતા જ ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી જેથી શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવીને તપાસ કરતા એક એક્ટીવા ચાલક સવારના ૧૦ થી ૧૦.૩૦ની વચ્ચે આવતો અને ઘરમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. જેથી એકટીવાના નંબરના આધારે તપાસ કરતા તે લોટીયા ભાગોળ ખાતે રહેતો નિતિનભાઈ દિલીપભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતુ.
પોેલીસે તેના ઘરે છાપો મારીને ઝડપી પાડ્યો હતો અને પુછપરછ કરતા તેણે જ આ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી લીઘી હતી. પીઆઈ વી. ડી. ઝાલાના જણાવ્યા અનુસાર પકડાયેલો નીતીન ઠાકોર અને ફરિયાદી વિદ્યાબેનનો પુત્ર બન્ને મિત્રો થાય છે. ગઈકાલે સવારે દશેક વાગ્યાના સુમારે નીતિન પોતાનું એક્ટીવા લઈને મિત્રને મળવા માટે ગયો હતો. ઘરમાં જતા જ કોઈ જોવા મળ્યુ નહોતુ. જેથી તેને લાલચ જાગતા બેડરૂમમાં આવેલું કબાટ ખોલીને લોકરમાંથી સોના-ચાંદીના દાગીના મુકેલી થેલીની ચોરી કરીને ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસે ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ તેમજ એક્ટીવા જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.