ગ્રામ્ય વિકાસને વેગ આપતા પગલાં: પેટલાદના મદદનીશ કલેકટરે આરડી અને રવીપુરામાં લોકસંવાદ યોજ્યો
આણંદ, શનિવાર:
પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેન બારોટ દ્વારા આજરોજ તાલુકાના આરડી અને રવીપુરા ગામોની મુલાકાત લેવાઈ હતી. ગામજનો સાથે લોક સંવાદ કરીને વિવિધ પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી. પ્રશ્નો અંગે તાત્કાલિક યોગ્ય વિભાગોને જરૂરી કાર્યવાહી માટે સૂચના અપાઈ હતી.
હિરેન બારોટે આરડી ગામે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનની અચાનક તપાસ કરીને દુકાનદારને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત, બંને ગામના તલાટીઓના સામાન્ય દફતરની પણ સમીક્ષા કરવામાં આવી અને કામગીરી વધુ અસરકારક બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ તકે આરડી ગામની ગૌચર જમીન સર્વે નં. ૩૦૭ અને રવીપુરાની ગૌચર જમીન સર્વે નં. ૬૨ ની રૂબરૂ તપાસ કરીને જમીનની હાલની સ્થિતિ અંગે ખાતરી લેવામાં આવી હતી.
આ પ્રસંગે તલાટીઓ, વ્યાજબી ભાવની દુકાનના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારી તંત્રના આવા સીધા સંવાદાત્મક પ્રયાસો ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકો માટે વિશ્વાસ અને સંતોષની લાગણી ઊભી કરી રહ્યા છે.
