બોરસદ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો અતિકુપોષિત બાળકો, સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે મફત તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાઈ
પોષણ પખવાડિયાની ૭મી આવૃત્તિની ઉજવણીના ભાગરૂપે, 5 એપ્રિલના રોજ બોરસદ ખાતે આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર, વિદ્યાનગર, ICDS બોરસદ તાલુકા (ઘટક ૧-૨-૩) અને CVM હોમિયોપેથી મેડિકલ કોલેજ તથા હોસ્પિટલના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં અતિકુપોષિત અને કુપોષિત બાળકો ઉપરાંત સગર્ભા તથા ધાત્રીમાતાઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કુલ ૨૪૧ લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો. તેમને સ્થળ પર જ મફત દવાઓ આપવામાં આવી હતી.
પ્રોગ્રામ ઓફિસર તેજલબેન શાહે લાભાર્થીઓને પોષણ વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. માતાના પોષણ વિષયક વિસ્તૃત માહિતી સાથે તેમણે બાળકોના આરોગ્ય માટે બજારનાં પૅકેટ કરેલા ખોરાકનો ઉપયોગ ટાળવાની સૂચના આપી. સીડીપીઓ માલતીબેન પઢીયારે THR પૅકેટનો યોગ્ય ઉપયોગ કરવા સંદેશ આપ્યો.
આ પ્રસંગે ડૉ. નિધિ, ડૉ. મેહફૂજા અને ડૉ. અભિલાષાએ તબીબી તપાસમાં સહયોગ આપ્યો હતો. તેમ જ, સીડીપીઓ રૂપલબેન મિસ્ત્રી, એનએનએમ બ્લોક કોઓર્ડિનેટર, મુખ્ય સેવિકા અને પીએસઈ ઇન્સ્ટ્રક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આવા આરોગ્યમુખી આયોજનો દ્વારા કુપોષણને જડમૂળથી દૂર કરવા માટે સઘન પ્રયાસો થઈ રહ્યા છે.