ગાંધીનગરમાં દેખાવો કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી: ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડ્યા
ગાંધીનગરમાં દેખાવો કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. કાયમી પીટી શિક્ષકોની ભરતી માટે દેખાવ કરી રહેલા ઉમેદવારોની પણ અટકાયત કરાઇ છે. ખેલ સહાયક યોજના રદ્દ કરવાની માંગણી સાથે દેખાવો કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરાઇ છે.. પોલીસેવિરોધ કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરીને તેમને વાનમાં બેસાડી દીધા હતા..
ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી 500થી વધુ વ્યાયામ વીરો 11 મહિનાની કરાર આધારીત ખેલ સહાયકની ભરતી બંધ કરવા અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કરી રહ્યા છે.
ગાંધીનગર ખાતે વ્યાયામ વીરો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. આ અગાઉ બુધવારે તેમને વિધાનસભા તરફ આગેકૂચ કરતા અટકાવી તેમની અટકાયત કરાઇ હતી.. ગુરુવારે પણ તેમનું વિરોધ પ્રદર્શન યથાવત રહ્યુ હતું. ગુરુવારે તેઓએ PTના દાવ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો..
ઉમેદવારો એ માંગ પર અડગ છે કે કરાર આધારિક ખેલ સહાયક યોજના રદ કરી કાયમી પીટી શિક્ષકોની ભરતી કરવામાં આવે વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોનો દાવો છે કે ‘તેઓ છેલ્લા એક વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યા છે, અનેક આવેદન પત્ર આપ્યા છતાં ઠરાવમાં કોઈ સુધારા કે નિરાકરણ લાવવામાં નથી આવતું, અને કાયમી કરવામાં નથી આવતા,
વ્યાયામ વીરો પોતાની વ્યથા ઠાલવતા કહે છે કે હાલ ગુજરાતભરના ખેલ સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે, હવે ફોર્મ ભરવાથી લઇને પસંદગી સુધીની લાંબી પ્રક્રિયા ચાલે ત્યાં સુધી તેમને બેસી રહેવું પડે, એટલે એટલો સમય પૂરતી આવક સાવ બંધ થઇ જાય એટલું જ નહીં તેમણે કહ્યું કે ખેલ સહાયક તરીકે ફરજ બજાવતી વખતે શિયાળું અને ઉનાળું વેકેશનના બે મહિનાનો પગાર પણ મળતો નથી. આમ ખેલ સહાયકમાં કુલ 7-8 મહિનાનો જ પગાર અપાય છે.