વડોદરા: સંસ્કારી નગરીનો એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો
વડોદરાના ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મેડમે ચાર વર્ષના બાળકને ધમકાવ્યાનો કિસ્સો સીસીટીવીમાં કેદ થયો છે. મકરપુરા પોલીસે સેન્ટર હેડ ડો. મીરા અને સહાયક પૂજા સામે ગુનો દાખલ કર્યો છે.
વડોદરા: સંસ્કારી નગરીનો એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના મેડમે ચાર વર્ષના બાળકના પગ પર બેસીને તેને ધમકાવીને ડરાવ્યો છે. આ ક્રૂરતાની હદ પાર કરતો આખો કિસ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, મેડમે રડતા બાળકને ઊંચકી નીચે પટક્યો છે જે બાદ તેના પગ પર બેસી ડરાવ્યો. સીસીટીવીના આધારે બાળકની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ મકરપુરા પોલીસે સેન્ટર હેડ ડો. મીરા અને સહાયક પૂજા સામે ગુનો દાખલ કર્યો છે. હાલ આ સેન્ટરને તાળા વાગી ગયા છે.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના વેપારીનો ચાર વર્ષનો દીકરો ઓછું બોલતો હતો. જેથી તેને ફેબ્રુઆરીની 25મી તારીખે પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર્સની સામે આવેલા ન્યૂ હોરાઇઝન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂક્યો હતો. આ સેન્ટરના હેડ મીરાબેન છે. 15મી તારીખે માતાપિતા પોતાના દીકરાને સેન્ટર પર મૂકવા ગયા ત્યારે તે ખૂબ જ રડતો હતો.જોકે, રૂમમાં અંદર જઈને થોડીવારમાં જ તે ચૂપ થઈ ગયો હતો. ક્લાસ પૂરો થયા પછી પુત્રને લઈને માતાપિતા કારમાં પાછા જતા હતા.
તે દરમિયાન પુત્રે માતાને કહ્યું કે, ”મેડમ બહોત ગુસ્સે મેં થી ઔર મુજે મારા”. જેથી, માતાએ મીરા મેડમને પૂછ્યું તો તેમણે આવું કંઈ થયું હોવાની ના પાડી હતી. માતાએ સીસીટીવી કેમેરા જોવાનું કહેતા મેડમે એવો જવાબ આપીને વાત ટાળી દીધી કે, ”તેનું એક્સેસ અમારી પાસે નથી. જેથી બે થી ત્રણ દિવસ લાગશે”.