વડોદરા એકસપ્રેસ વે પર સામરખા ટોલનાકાનો માર્ગ બંધ રખાતાં ચાલકોને 2 કિમીનો ફેરો
અમદાવાદ વડોદરા એકસપ્રેસ વે પર સામરખા ટોલનાકા પાસે અમદાવાદ તરફના જવાના માર્ગ પર વજનકાંટાના રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ હતી. ત્યારે ચાર કલાક બંધ રહેતા પાંચ હજારથી વધુ વાહનચાલકોને સદાનાપુરા થઇને 2 કિમી અંતર કાપવાની ફરજ પડી હતી. જેના પગલે વાહનચાલકો હાલાકીઓનો ભોગ બન્યા હતા. જો કે મોડીસાંજે રીપેરીંગ કામગીરી પૂર્ણ થતાં માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હોવાનું હાઇવે ઓથોરેટીના સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર એકસપ્રેસ વે પર સામરખા ટોલ નાકા પાસે વજનકાંટા રીપેરીંગ ચાલુ હોવાથી અમદાવાદ તરફ પ્રવેશવાનો માર્ગ સવારના 8 વાગ્યા થી બપોરના 3 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી વાહનચાલકો 2 કિમી ફરીને બીજા ટોલનાકા પ્રવેશવાનો વખત આવ્યો હતો. જેને લઇને મોટાવાહન ચાલકો અટવાઇ જતાં ટ્રાફિક જામ દ્રશ્યો વારંવાર સર્જાતા હતો.