ખેડાના કાજીપુર ગામે મજૂરીના પૈસા બાબતે થયેલા ઝઘડામાં એક યુવકનું મોત
ખેડા નજીકના કાજીપુર ગામે મજૂરીના પૈસા બાબતે થયેલા ઝઘડામાં એક યુવકનું મોત નિપજ્યું છે. આ મામલે બે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. બિહારના વતની ટુન્નુરામ (ઉ.વ.23) તેના મોટા ભાઈ ચુન્નુકુમાર સાથે કાજીપુરામાં એક લોજિસ્ટિક કંપનીના ગોડાઉન પાછળ ભાડાની રૂમમાં રહેતો હતો. બંને ભાઈઓ આ કંપનીના ગોડાઉનમાં મજૂર તરીકે કામ કરતા હતા.
ગઈકાલે બપોરે રૂમ પર સોનુરામ વિદ્યાસાગર નામના વ્યક્તિએ ટુન્નુરામ સાથે મજૂરીના પૈસા બાબતે ઝઘડો કર્યો હતો. ચુન્નુકુમારે વચ્ચે પડીને ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સોનુરામનો ભાઈ સંજીવરામ વિદ્યાસાગર પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે ચુન્નુકુમારને ઈજા પહોંચાડી હતી.
ટુન્નુરામ રૂમમાંથી બહાર ભાગ્યો ત્યારે બંને ભાઈઓએ તેનો પીછો કર્યો હતો. તેઓએ ટુન્નુરામને પકડીને દિવાલ સાથે માથું અથડાવ્યું હતું. ગંભીર ઈજાઓને કારણે ટુન્નુરામ બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક ખેડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ચુન્નુકુમારે ખેડા ટાઉન પોલીસ મથકમાં સોનુરામ વિદ્યાસાગર અને સંજીવરામ વિદ્યાસાગર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.