બનાવટી દસ્તાવેજો બનાવવાનો કૌભાંડ: બોરસદમાં ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ
બોરસદ શહેરમાં સરકારી લાભ મેળવવા માટે શાળાના બનાવટી એલસી (Leaving Certificate) બનાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મામલતદાર કચેરીમાં રજૂ કરાયેલા નકલી દસ્તાવેજો મામલે પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
શું છે કૌભાંડ?
બોરસદની પ્રાથમિક કુમાર શાળા બ્રાન્ચ-2ના આચાર્ય જીગરકુમાર મેકવાને ફરિયાદ નોંધાવી હતી કે ઇમામસાહેબ શુભાનસાહેબ શેખ અને સાજીદમીયા બદરોદ્દીન મલેકે સરકારી પ્રમાણપત્ર મેળવવા માટે નકલી એલસી રજૂ કર્યા હતા. આમાં તેઓએ આરીફભાઈ સૈયદની મદદથી શાળાની સહી અને દસ્તાવેજોમાં ચેડાં કરી નકલી પ્રમાણપત્રો તૈયાર કર્યા હતા.
કેસ કઈ રીતે બહાર આવ્યું?
➤ 12 માર્ચ 2025 ના રોજ ઇમામસાહેબ શેખે આવકનું પ્રમાણપત્ર અને સાજીદમીયા મલેકે OBC પ્રમાણપત્ર મેળવવા માટે મામલતદાર કચેરીમાં નકલી એલસી રજૂ કર્યા.
➤ શંકા આવતાં મામલતદાર કચેરીએ શાળાના આચાર્ય પાસે પુછપરછ કરી.
➤ તપાસમાં સામે આવ્યું કે આ દસ્તાવેજ શાળા દ્વારા ઈશ્યુ થયેલા નહોતા અને તેમાં આચાર્યની સહી જ નકલી હતી.
આરોપીઓ વિરુદ્ધ પગલાં
શાળાના આચાર્યની ફરિયાદના આધારે બોરસદ શહેર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કૌભાંડ કેવી રીતે અંજાયું અને અન્ય કોઇ શખ્સ સંડોવાયેલા છે કે નહીં, તે દિશામાં પોલીસે તપાસ આગળ ધપાવી છે.