આણંદ મનપા દ્વારા 56 સોસાયટીઓના કામ માટે ઠરાવ મોકલાયા, 160 અરજીઓમાંથી 56 મંજૂરી
આણંદ પાલિકાના સમયગાળા દરમ્યાન સરકારની લોકભાગીદારીની યોજના હેઠળ ઓકટો.2024 સુધીમાં 160 સોસાયટીઓએ ખાનગી રસ્તા બનાવવા માટેની અરજી સાથે જરુરી પુરાવા રજૂ કર્યા હતા. જેની પાલિકાના એન્જિનીયર વિભાગની ટીમ દ્વારા ચકાસણી કર્યા બાદ 56 સોસાયટીઓની અરજી મંજૂર થતા તેની દરખાસ્ત વડોદરા આરસીએમમાં અભિપ્રાય માટે મોકલવામાં આવી હતી. જયાંથી અભિપ્રાય સાથે તમામ અરજી ગાંધીનગર ફાઇનાન્સ બોર્ડમાં મોકલી આપવાનું આયોજન હતું. પરંતુ વડોદરાની કચેરી ખાતે અરજીઓની ચકાસણીમાં વિલંબ થવાની સાથે બીજી તરફ રાજય સરકાર દ્વારા આણંદ પાલિકાને કોર્પોરેશન જાહેર કરાઇ હતી.
1 જાન્યુ.2025ના રોજ આણંદ મહાનગરપાલિકા જાહેર થતા પાલિકા અને મનપાની આંટીઘૂંટીમાં 56 સોસાયટીઓની મોકલાયેલ દરખાસ્ત અટવાઇ પડી. આથી આ મામલે ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગરમાં જાણ કરવામાં આવતા ત્યાંથી મનપાનો ઠરાવ માંગવામાં આવ્યો હતો. જેથી મનપા દ્વારા આ અંગેનો ઠરાવ કરીને સીધો ફાયનાન્સ બોર્ડ, ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. આથી આગામી ટૂંક સમયમાં મંજૂર થયેલ પ૬ સોસાયટીઓના ખાનગી રસ્તા માટેની સહાય ઉપલબ્ધ થશે તેમ જાણવા મળેલ છે. અંદાજે ૩.૩૭ કરોડની સહાયના આ કામોમાં સોસાયટીઓમાં આરસીસી રોડ અને પેવરબ્લોક મુખ્ય છે.
ઉલ્લેખનીય છે કે, સોસાયટીઓની અંદર ખાનગી ડામર, આરસીસી કે સીસી રોડ બનાવવા, કોમન પ્લોટમાં પેવર બ્લોક, ગટર લાઇન, પીવાના પાણીની લાઇન, રેઇન વોટર હાર્વસ્ટીંગ, સ્ટ્રીટ લાઇટ માટે આ યોજના હેઠળ સમાવેશ કરાય છે. જેમાં થનાર કુલ ખર્ચ પૈકીના 20 ટકા સોસાયટી અથવા સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદ ચૂકવી શકે, 10 ટકા મનપા અને બાકીના 70 ટકા સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આણંદ કોર્પોરેશન થતા તેમાં સમાવિષ્ટ વિદ્યાનગર, કરમસદ તેમજ ચાર ગામોનો પણ આ લોકભાગીદારી યોજનામાં સમાવેશ થયો છે. આથી મનપામાં સમાવિષ્ટ આ વિસ્તારોમાં આવેલ સોસાયટીના રહિશોને ખાનગી રસ્તા સહિતના યોજનાકીય કામો માટેના અરજી ફોર્મ મનપામાંથી ઉપલબ્ધ થશે. જરુરી પુરાવા સાથેની અરજી મંજૂર થયા બાદ મનપાની ટીમ દ્વારા વિઝીટ કરવામાં આવશે. જેમાં માપણી, કામના ખર્ચનું એસ્ટીમેન્ટ તૈયાર કરાયા બાદ સીટી એન્જિનીયર દ્વારા તાંત્રિક મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ સોસાયટીના ભાગે આવતા 20 ટકા રકમ ભરાયા બાદ વહીવટી મંજૂરી માટે સરકારમાં મનપા દ્વારા દરખાસ્ત મોકલવામાં આવશે.
આણંદ મનપા બન્યા બાદ તેમાં સમાવિષ્ટ વિસ્તારોમાં આવેલ સોસાયટીઓના રહિશો દ્વારા પણ લોકભાગીદારીની આ યોજના માટે અરજી કરી શકે છે. જેમાં ૩ માસ દરમ્યાન આરસીસી-ડામર રોડ, પેવર બ્લોક અને પીવાના પાણીની લાઇન સહિતની યોજના અંતર્ગતની કામગીરી માટે પ૦ સોસાયટીઓ દ્વારા મનપામાં અરજી કરવામાં આવ્યાનું જાણવા મળે છે. અરજીઓની ચકાસણી બાદ સ્થળ તપાસ, કામના ખર્ચના એસ્ટીમેટ સહિતની પ્રકિયા હાથ ધરવામાં આવી રહી છે.
પાલિકા સમય દરમ્યાનની મંજૂર પ૬ પૈકી સૌથી વધુ વોર્ડ નં. ૧રની સૌથી વધુ ૧૩ અરજી
૧ -૪, ૨- ૨, ૩- ૪, ૪- ૩, ૫- ૨, ૬- ૪, ૭- ૫, ૮- ૫, ૯- -, ૧૦- ૬, ૧૧- ૭, ૧૨- ૧૩, ૧૩- ૧
પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)ર.૦ અંતર્ગત બેનીફીશીયરી લેન્ડ કન્સ્ટ્રકશન ઘટક હેઠળ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૩ લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા, આર્થિક રીતે નબળા વર્ગના લાભાર્થી, પોતાની માલિકીની ખુલ્લી જમીન ઉપર અથવા કાચા-જર્જરિત આવાસને ઉતારી નેશનલ બિલ્ડીંગ કોડમાં આપવામાં આવેલ બિલ્ડીંગ સલામતી અને ડીઝાઇનના ધોરણો મુજબ તમામ હવામાને અનુરુપ ૩૦ ચો.મી.થી ૪પ ચો.મી. કાર્પટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રુમ, રસોડું અને શૌચાલય-બાથરુમની સુવિધા સાથે પાકા નવા આવાસાનું બાંધકામ કરી શકશે. જેમાં કેન્દ્ર દ્વારા ૧.પ૦ લાખ અને રાજય સરકાર દ્વારા ર.પ૦ લાખની સહાય આપવામાં આવશે.