આણંદના સરદાર ગંજ ખાતે મયુર સેલ્સ, યશ સીઝનલ સ્ટોર્સ અને વિનાયક સિઝનેબલ સ્ટોર્સ સીલ કરાયા
આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી કહેવત અવારનવાર સરકારના આદેશોમાં જોવા મળે છે. રાજયમાં કોઇ ઘટના બન્યા બાદ તુરંત જ પ્રતિક્રિયા હાથ ધરીને અન્યત્ર વિસ્તારોમાં તપાસના આદેશો છોડવામાં આવે છે. જેમાં નિયમ વિરુદ્વની થતી કામગીરી સહિતની ક્ષતિઓ પણ જોવા મળતી હોય છે. પરંતુ નિયમ વિરુદ્વની કામગીરી જ ન થાય તે માટેની અગાઉથી જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં ન આવી રહ્યાનું જોવા મળે છે.તાજેતરમાં ડીસામાં ફટાકડા બનાવતી ફેકટરીમાં આગની ઘટનામાં કામદારોના મોતની ઘટનાથી સફાળી જાગેલ રાજય સરકારે રાજયભરમાં ગેરકાયદે રીતે ફટાકડાના સંગ્રહ, વેચાણ સામે તપાસના આદેશો છોડયા છે. જેમાં આણંદ મનપાની ટીમ દ્વારા આજે સરદાર ગંજમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફટકડાનું વેચાણ કરતા દુકાનદારો પાસે ફાયર સેફટી હોવા સહિતની જરુરી તપાસ કરી હતી.જેમાં સરદાર ગંજ ખાતેની મયુર સેલ્સ, યશ સિઝનલ સ્ટોર્સ અને વિનાયક સિઝનેબલ સ્ટોર્સ ખાતે તપાસ કરતા તેઓની દુકાનમાંથી ફટાકડા મળી આવ્યા હતા. પરંતુ જરુરી ફાયર એનઓસી ન હતી. આથી તાત્કાલિક અસરથી મનપા ટીમ દ્વારા ત્રણેય સ્ટોરને સીલ કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં જવાબદાર તંત્ર દ્વારા સરકારની સૂચના મળ્યા અગાઉ નિયમોનુસારની સમયાંતરે તપાસ હાથ ધરવામાં આવતી હોત તો કદાચ ફાયર એનઓસી સહિતની ક્ષતિઓ થવા પામી ન હોત.
આણંદ નજીકના નેશનલ હાઇવે નં.૮ પર આવેલા ગોપાલપુરા સીમમાં આવેલા મયુર સેલ્સના ગોડાઉનમાં એસઓજી પોલીસ, મામલતદાર, ફાયર બ્રિગેડ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ૩૧ માર્ચ,ર૦રપના રોજ પરવાનો પૂરો થઇ જવા છતાંયે રીન્યુ કરાવ્યો ન હતો. ઉપરાંત નિયત જથ્થા કરતા અનેકગણો વિવિધ ફટાકડાનો જથ્થો ગોડાઉનમાં સ્ટોક કર્યાનું જોવા મળ્યું હતું. જો કે મંજૂરી વિનાના ફટાકડાનો આટલો વિશાળ જથ્થો જોવા મળતા તંત્રની ટીમો ચોંકી ઉઠી હતી. જેથી તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરીને ગોડાઉનને સીલ કરાયું હતું.