આણંદ-સોજીત્રા રોડ ઉપર વલાસણ પાસે રોડ ખોદી કાઢયા બાદ રોડનું સમારકામ કરવામાં વિલંબ થતાં વાહન ચાલકો ભારે પરેશાની
આણંદ-સોજીત્રા રોડ ઉપર વલાસણ પાસે એકબાજુના રોડ ખોદી કાઢયા બાદ રોડનું સમારકામ કરવામાં વિલંબ થતાં વાહન ચાલકો ભારે પરેશાનીનો ભોગ બની રહ્યા છે.આણંદ-સોજીત્રા સ્ટેટ હાઈવે ઉપર વલાસણ નહેરની આગળ દસેક દિવસ અગાઉ એકબાજુના રોડને ખોદી કાઢવામાં આવ્યો હતો. એકબાજુનો રસ્તો બંધ કરીને લગભગ સાતથી ૮ ફૂટની લંબાઈ અને ચારથી પાંચ ફૂટની ઊંડાઈનું ખોદકામ કરવામાં આવ્યું હતું.પાઈપ લાઈનમાં લીકેજ જોવા માટે માર્ગ અને મકાન વિભાગની પરવાનગી મેળવી કરાયેલ ખોદકામ બાદ રોડનું સમારકામ જ કરાયું નથી. સમારકામ તો ગૌણ બાબત છે. પરંતુ ટ્રાફિકથી ધમધમતા આ સ્ટેટ હાઈવે ઉપર ખોદકામ કરાયેલ જગ્યાએ યોગ્ય રીતે માટી પણ પુરવામાં આવી નહોતી. જેથી આવતા જતા વાહન ચાલકો ભારે પરેશાની ભોગવતા હતાં. જેથી સ્થાનિકોએ માટી નાખી પુરાણ કામ કરી વાહન ચાલકોની પરેશાનીમાં રાહત કરી છે. પરંતુ રોડ ઉપર ડામર કામ કર્યુ ના હોઈ હજુ પણ વાહન ચાલકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સુમારે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ભારે પરેશાનીનો ભોગ બને છે. ત્યારે ખોદી કાઢેલ રોડની જગ્યાએ સત્વરે ડામર કામ કરવામાં આવે તેવી માંગ થવા પામી છે.