આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાઈ
આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી.
પ્રારંભમાં મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને સંસદ સભ્ય મિતેશભાઇ પટેલને આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેવા બદલ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.
આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને મહાનગરપાલિકાના કમિશનર મિલિંદબાપનાએ પરસ્પરનાં સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા આણંદના ધારાસભ્યઅને સંસદ સભ્ય દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો, કરેલ રજૂઆત તથા સૂચનોનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યુ હતું.
કમિશનર મિલિંદ બાપનાએ ગણેશ ચોકડી ઉપર બની રહેલ બ્રિજ અને સર્વિસ રોડ ઉપરથી એમ. જી. વી. સી. એલ.ના ડીપીને ખસેડવા અને નડતર રૂપ ઝાડને દૂર કરવા અંગેની કામગીરી તાકીદે કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
વધુમાં કમિશનરે આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ખાતે કચ્છ અને વડનગર જેવું મ્યુઝિયમ સરદાર વલ્લભભાઈ પટેલ નું બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં નજરે પડતા દબાણ દેખાતું હોય તો તાત્કાલિક દૂર કરવા પણ જણાવ્યું હતું.
આ ઉપરાંત કમિશનરે ફાયરની સત્તા આણંદ મહાનગરપાલિકાને મળે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે, તેમ જણાવી ધારાસભ્ય અને સંસદ સભ્યના સૂચનો પોઝિટિવ રીતે કોર્પોરેશન માટે સ્વીકાર્ય છે, તેમ જણાવ્યું હતું.
આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય મિતેશભાઇ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં એપીસી સર્કલ ઉપર નવો ઓવરબ્રિજ, વૃંદાવન ગ્રાઉન્ડ ઉપર આધુનિક કન્વેન્શન સેન્ટર, નવો આધુનિક ટાઉનહોલ, આણંદ શહેરની મધ્યમાં અંગ્રેજી માધ્યમની શાળા, અટલ ચોક દાંડી માર્ગ ઉપર નવો ઓવર બ્રિજ, બોરસદ ચોકડી પાસે નવો ઓક્સિજન પાર્ક, આણંદ શહેરમાં ટીપી ૧૦ માં સ્વિમિંગ પૂલ, કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ હોવાને કારણે તેમના ભવ્ય વારસાને લોકો જાણે તે માટે સંગ્રહાલયનું આયોજન જેવા ૧૪ જેટલા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે ગરવાલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા, નાયબ કાર્યપાલક ઇજનેર જીગર પટેલ, સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.