સોનલ શિયાળની વિશિષ્ટ પસંદગી : નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની ભારતીય વાયુસેના સ્પેશિયલ એડવેન્ચર કેમ્પ માટે પસંદ

દેવરાજનગર: નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજનગરની એફ.વાય.બી.એ.ની વિદ્યાર્થીની સોનલ શિયાળની પસંદગી એરફોર્સ એન.સી.સી. દ્વારા સ્પેશિયલ એડવેન્ચર કેમ્પ માટે કરવામાં આવી છે. આ કેમ્પ 3 એપ્રિલથી 17 એપ્રિલ 2025 દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં યોજાશે. સમગ્ર ભારતમાંથી માત્ર 50 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં સોનલનું નામ ઉત્તમ સિદ્ધિ તરીકે નોંધાયું છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2024-25થી એરફોર્સ એન.સી.સી.નું 50 વિદ્યાર્થીનીઓનું યુનિટ કાર્યરત છે. કોલેજ છેલ્લા દસ વર્ષથી સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એન.એસ.એસ. અને એન.સી.સી. ક્ષેત્રે યુનિવર્સિટીમાં અગ્રસ્થાને રહી છે.
આ કેમ્પમાં વિદ્યાર્થીનીઓને ભારતીય વાયુસેનામાં જોડાવા માટે શારીરિક તથા માનસિક રીતે સજ્જ કરવામાં આવશે. સોનલ શિયાળની સફળતાએ સમગ્ર કોલેજને ગૌરવનો અનુભવ કરાવ્યો છે. તેમણે આ સિદ્ધિ હાંસલ કરતા મેનેજિંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. રવિન્દ્રસિંહ સરવૈયાએ સોનલને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
જણાવે છે કે એન.સી.સી.ની સ્થાપના 1948માં થઈ હતી, જ્યારે તેની સંકલ્પના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકાર દ્વારા કરાઈ હતી. દેશના યુવાનોમાં શિસ્ત, દેશભક્તિ અને લીડરશીપના ગુણો વિકસાવવામાં એન.સી.સી.નો મોટો ફાળો રહ્યો છે. એન.સી.સી.ના ત્રણ મુખ્ય વિંગ્સ એરફોર્સ, નેવી અને આર્મી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.