કંજરીમાં સવા કરોડનું ઘન કચરા નિકાલ કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન
નડિયાદ : નડિયાદ તાલુકાના કંજરી ગામે સ્વચ્છતા અભિયાન હેઠળ કચરાનો નિકાલ કરવા માટે સવા કરોડ રૂપિયાના ખર્ચે ઘન કચરા નિકાલ કેન્દ્ર બનાવવામાં આવેલું છે. છતાં કોઈ કારણસર પાલિકા દ્વારા ખુલ્લી જગ્યામાં કચરો નાખવામાં આવતા સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય છે. ત્યારે કેન્દ્ર ખાતે જ ઘર કચરાનો નિકાલ કરાય તેવી માંગણી ઉઠી છે.
નડિયાદ તાલુકાના કંજરી ગામે નગરપાલિકા દ્વારા ગામના કચરાના નિકાલ કરવા માટે ચર્મ ઉદ્યોગ કેન્દ્ર નજીક વિશાલ જગ્યામાં સવા કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવી ઘન કચરા નિકાલ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. પણ અહીં ખંભાતી તાળા મારી દેવાયેલા છે. પરંતુ નવાઈની વાત એ છે કે નગરપાલિકા દ્વારા ગામમાંથી ડોર ટુ ડોર ઉઘરાવવામાં આવતા કચરાનો નિકાલ ઘન કચરા નિકાલ કેન્દ્રમાં કરવાને બદલે ખુલ્લી જગ્યામાં કચરો નાખવામાં આવી રહ્યો છે. કચરાને રખડતી ગાયો વેરવિખેર કરી નાખતી હોય છે. કચરાને સળગાવવામાં આવતા ધુમાડાના લીધે પ્રદુષણ ફેલાવા સાથે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ખૂલ્લી જગ્યામાં ઠલવાતા ભારે દુર્ગંધથી કચરો સ્થાનિકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. રોગચાળો ફેલાવાનો ભય પણ રહેલો છે. ત્યારે ઘન કચરા નિકાલ કેન્દ્રમાં જ કચરાનો નિકાલ કરવા માંગણી ઉઠી છે.