નડિયાદમાં તાપમાન 43 ડિગ્રીને પહોંચ્યું, ઉકળાટે રસ્તાઓ થયાં ખાલી
નડિયાદ : નડિયાદ સહિત જિલ્લાભરમાં મે મહિનાની શરૂઆતમાં તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચ્યું છે. ત્યારે અંગ દઝાડતા તાપમાં લોકો બહાર નીકળવાનું ટાળતા રસ્તાઓ સુમસામ બન્યા છે. મોડી સાંજથી રાત સુધી લોકો બહાર ફરી ગરમીથી રાહત મેળવતા જોવા મળી રહ્યા છે.
ઉનાળો તેના મધ્ય ભાગમાં પહોંચ્યે છે. મે મહિનાની શરૂઆતમાં નડિયાદ અને ખેડા જિલ્લામાં બપોરનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે.
જેના કારણે આકરો તાપ પડતો હોવાથી બપોરના સમયે બહાર નીકળતા જ અંગ દઝાડે તેવો તાપ પડી રહ્યો છે. સવારે અને સાંજે પણ બફારો અને ગરમી સતત અનુભવાઈ રહી છે. તેવા સંજોગોમાં લોકો દિવસે તો બહાર નીકળવાનું જ ટાળી રહ્યા છે.
ઘરમાં પંખા અને એસી, કુલરમાં રહી ઠંડક મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. સાંજના સમયે નડિયાદ શહેરના જાહેર માર્ગો પર ઠંડાપીણા, આઈસ્ક્રીમ સાથે ઠંડક મળે તેવી ખાણી-પીણી માટે જમાવડો કરી રહ્યા છે. હજુ તો તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચતાની સાથે જ લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે હજુ આગામી સમયમાં તાપમાન વધે તેવી શક્યતા છે.