દાંડી માર્ગ પરના હટાવેલા દબાણો સ્ટાફના અભાવે મોનેટરીંગ ન થતા પુન: ખડકાયા
રાજય સરકાર દ્વારા એક તરફ નવા અભિયાન, નવા વિકાસ કામોની ઝાકમઝોળભરી જાહેરાતો કરી રહી છે પરંતુ બીજી તરફ અનેક વિભાગોમાં મહત્વના પદો પર મહિના-વર્ષોથી અધિકારીઓ સહિત જરુરી સ્ટાફની ભરતી જ કરવામાં ન આવ્યાનું બેવડું ચિત્ર જોવા મળી રહયું છે. જેના કારણે હાજર અધિકારી-સ્ટાફને સરકારની નવી યોજનાઓના અમલીકરણમાં જોતરાવવું પડતું હોવાથી અગાઉના હાથ ધરાયેલ કામો વિલંબિત થતા હોવાનું અનેક કામો રઝળી પડયાની સ્થિતિમાં જોવા મળે છે. આ પ્રકારની સ્થિતિ આણંદ જિલ્લામાં જોવા મળી રહી છે.આણંદ જિલ્લામાંથી પસાર થતો ૪૮ કિ.મી. ઉપરાંતના દાંડી માર્ગને દબાણમુકત અને અવરજવર માટે સુવિધાજનક બનાવવાની કામગીરી સ્ટાફના અભાવે વિલંબિત સ્થિતિમાં જોવા મળે છે. ગત વર્ષ આણંદ જિલ્લામાં પ્રવેશવાથી લઇને પૂરા થતા દાંડી માર્ગને દબાણ મુકત બનાવવા વિભાગ દ્વારા અભિયાન હાથ ધરાયું હતું. પરંતુ ત્યારબાદ બદલી સહિતના કારણોસર આણંદ કચેરીમાંથી સ્ટાફની ઘટ ઉભી થઇ હતી.અધિકારિક સૂત્રોનુસાર હાલ અમદાવાદ, આણંદ, નડિયાદ દાંડી વિભાગની કામગીરી માત્ર એક જ એન્જિનીયર સંભાળી રહ્યા છે. જયારે વર્ક આસી.ની ર જગ્યા ખાલી પડી છે. દસ માસથી સ્ટાફના અભાવે અગાઉ દાંડી વિભાગે દબાણ મુકત કરેલ દાંડી માર્ગ પુન: દબાણોથી ઘેરાઇ ગયો છે. જિલ્લા સમાહર્તાની સાથેની અગાઉની બેઠકમાં પણ દાંડી માર્ગના મોનેટરીંગ કે કંટ્રોલિંગ માટે પૂરતો સ્ટાફ ન હોવાની રજૂઆત થઇ હતી. નોંધનીય વાત એ પણ છે કે આણંદ જિલ્લામાંથી પસાર થતા દાંડી માર્ગના નવીનીકરણનો ડ્રાફટ વિભાગ દ્વારા કેન્દ્રમાં મોકલી અપાયો છે. ત્યારે તે મંજૂર થઇને આવ્યા બાદ ઓછા સ્ટાફ વચ્ચે કામ શરુ થઇ શકશે કે કેમ? તે સવાલ છે.